મહેસાણાના પાંચોટમાં બંધ મકાનનું તાળું તોડી રૂ. ૩.૩૦ લાખની ચોરી

November 20, 2026

ગરવી તાકાત

મહેસાણા તાલુકાના પાંચોટ ગામના શેરડીવાસ વિસ્તારમાં રહેતા એક ખેડૂતના બંધ મકાનનું તાળું તોડીને અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. ૩,૩૦,૦૦૦ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. પરિવારજનો રણુજા ખાતે રામાપીરના દર્શન કરવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો હતો. આ મામલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વિગતો મુજબ, પાંચોટ ગામના શેરડીવાસમાં રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ધર્મેશકુમાર ગંગારામભાઇ પટેલ (ઉં.વ. ૪૮) પોતાના પરિવારજનો સાથે ગત તા. ૧૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સવારના આશરે સાડા છ વાગ્યે રણુજા ખાતે રામાપીરના દર્શન કરવા માટે ભાડે ગાડી લઈને ગયા હતા. પરિવાર બહારગામ જતાં તેઓએ નાના ભાઈ સંજયભાઈને ઘરનું ધ્યાન રાખવાનું કહ્યું હતું, જ્યારે પરિવાર સાંજના પાંચ વાગ્યાની આસપાસ રણુજા પહોંચ્યો હતો.

બીજા દિવસે એટલે કે તા. ૧૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સવારના આશરે દસ વાગ્યે ધર્મેશકુમાર રણુજા મુકામે હતા ત્યારે નાના ભાઈ સંજયભાઈનો ફોન આવ્યો હતો અને ઘરનું તાળું તૂટેલું હોવાનું તથા દરવાજા ખુલ્લા હોવાનું જણાવ્યું હતું. આ અંગેની જાણ થતા જ ધર્મેશકુમાર અને તેમનો પરિવાર તાત્કાલિક રણુજાથી પરત ફરવા નીકળ્યા હતા અને સાંજના આશરે સાડા છ વાગ્યે ઘરે પહોંચ્યા હતા.

ઘરની અંદર જઈને તપાસ કરતા બેડરૂમમાં રાખેલી તિજોરીનું લોક તૂટેલું જોવા મળ્યું હતું અને અંદરનો સામાન વેરવિખેર હાલતમાં નીચે પડેલો હતો. તિજોરીમાં તપાસ કરતા તેમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. ચોરાયેલી મત્તામાં આશરે દોઢ તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર (કિંમત આશરે રૂ. ૧,૨૦,૦૦૦), એક તોલા વજનની સોનાની ચેઇન (કિંમત આશરે રૂ. ૮૦,૦૦૦), અડધા તોલાની સોનાની બુટીની જોડ (કિંમત આશરે રૂ. ૪૦,૦૦૦), અડધા તોલાની સોનાની વીંટી (કિંમત આશરે રૂ. ૪૦,૦૦૦), સોનાની ચુની (કિંમત આશરે રૂ. ૨,૦૦૦) તેમજ ૫૦ ગ્રામ વજનની ચાંદીની લકી (કિંમત આશરે રૂ. ૩,૦૦૦) મળી કુલ રૂ. ૨,૮૫,૦૦૦ના દાગીના અને રોકડા રૂ. ૪૬,૦૦૦ મળી કુલ રૂ. ૩,૩૦,૦૦૦ની ચોરી થયાનું સામે આવ્યું છે.

આ બનાવ અંગે ધર્મેશકુમાર પટેલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે તા. ૧૭ નવેમ્બર, ૨૦૨૬ના સવારના છ વાગ્યાથી તા. ૧૮ નવેમ્બર, ૨૦૨૬ના સવારના દસ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી ચોરી કરી ગયા છે, જોકે આ ચોરી બાબતે હાલમાં કોઈના પર શક વહેમ નથી. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0