ONGC GGS નજીક ઝાડીઓમાં દેશી બંદૂક સાથે શખસ ઝડપાયો

ગરવી તાકાત
મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે હથિયાર સાથે ફરતા એક શખસને SOG પોલીસે ઝડપી પાડ્યો છે. ગમનપુરાથી દેલોલી તરફ જતા માર્ગ પર ONGC GGS નજીક બાવળની ઝાડીઓમાં 50 વર્ષીય રમજાનભાઈ સુમારભાઈ મેરૂભાઈ શંકાસ્પદ હાલતમાં હથિયાર સાથે મળી આવતા પોલીસે તેની અટકાયત કરી છે.
મહેસાણા SOG પોલીસ ઈન્સ્પેક્ટર યોગરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ATS ચાર્ટર લગત પેટ્રોલીંગ દરમિયાન પોલીસ કર્મચારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે, સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગમનપુરાથી દેલોલી ગામ તરફ જતા રોડ પર ONGC GGSની બાજુમાં ખરાબામાં આવેલી બાવળની ઝાડીઓમાં એક શખસ ગેરકાયદે હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે SOGની ટીમે પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સિંધી (ડફેર) રમજાનભાઈ સુમારભાઈ મેરૂભાઈ પાસેથી વગર પાસ-પરમિટની દેશી હાથ બનાવટની બંદૂક મળી આવી હતી. પોલીસે અંદાજે ₹ 7 હજારની કિંમતની આ બંદૂક કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ સાંથલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી SOG ઈન્સ્પેક્ટર યોગરાજસિંહ પરમાર, પીએસઆઈ બી.ડી. વાઘેલા અને પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.