બાવલુ પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડ અને મની લોન્ડરિંગના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો કર્યો પર્દાફાશ: દેશભરમાં ૩૪ ફરિયાદો નોંધાયેલી બહાર આવી

October 31, 2026

બેંક ખાતાઓનો દુરુપયોગ કરી સાયબર ઠગાઈના કરોડો રૂપિયા સગેવગે કરતું મોટું રેકેટ ઝડપાયું: ૬.૧૫ કરોડના વ્યવહારોનો પર્દાફાશ

મેડા આદરજથી એટીએમ કાર્ડ સાથે યુવક ઝડપાયા બાદ કલોલમાં દંપતીના ઘરે દરોડો: ૪૫ એટીએમ કાર્ડ, ચેકબુક, સિમકાર્ડ જપ્ત, દુબઈ બેઠેલા સૂત્રધારો સહિત આઠ સામે ગુનો દાખલ

 

ગરવી તાકાત

મહેસાણા જિલ્લાની બાવલુ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી બાતમી આધારિત સઘન તપાસમાં બેંક ખાતાઓ ભાડે મેળવી દેશભરમાં સાયબર ઠગાઈ આચરતી અને છેતરપિંડીના નાણાંની ગેરકાયદે હેરાફેરી કરતી એક મોટી આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે મેડા આદરજ માર્ગ પરથી શંકાસ્પદ હાલતમાં એક યુવકને ઝડપી પાડી તેની તલાશી લેતા તેની પાસેથી વિવિધ બેંકોના ૪૫ જેટલા એટીએમ કાર્ડ, મોબાઈલ અને સિમકાર્ડ મળી આવ્યા હતા. આ યુવકની કડક પૂછપરછના આધારે પોલીસે તાત્કાલિક કલોલ ખાતે રહેતા એક દંપતીના ઘરે દરોડા પાડીને ત્યાંથી પણ મોટી સંખ્યામાં બેંક પાસબુકો, ચેકબુકો, એટીએમ કાર્ડ અને સિમકાર્ડનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. આ સમગ્ર નેટવર્ક મારફતે અત્યાર સુધીમાં અધધ રૂ. ૬,૧૫,૬૧,૨૦૮ના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હોવાનું તેમજ દેશના વિવિધ રાજ્યોમાં નોંધાયેલી ૩૪ જેટલી સાયબર ઠગાઈની ફરિયાદોના તાર આ ખાતાઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની વિગત એવી છે કે બાવલુ પોલીસ મથકના જવાનો ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મેડા આદરજ ગામથી કલોલ તરફ જતા માર્ગ પર એક શંકાસ્પદ યુવક પૂરપાટ ઝડપે સ્કૂટર હંકારીને જઈ રહ્યો હતો. પોલીસને જોતાં જ તેણે વાહન ભગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કોર્ડન કરીને તેને સ્થળ પર જ ઝડપી લીધો હતો. પંચોની હાજરીમાં લેવાયેલી તલાશી દરમિયાન સ્કૂટરની ડેકીમાંથી જુદી જુદી બેંકોના ૪૫ એટીએમ કાર્ડ, મોબાઈલ ફોન અને સિમકાર્ડ મળી આવ્યા હતા. પૂછપરછમાં ઝડપાયેલા શખ્સની ઓળખ ઠાકોર વિપુલજી ઉર્ફે ભોણો શંભુજી ગાંડાજી (ઉંમર ૨૨ વર્ષ, મૂળ રહે. ઉવારસદ, ગાંધીનગર, હાલ રહે. મેડા આદરજ, કડી) તરીકે થઈ હતી.

વિપુલજીની ઘનિષ્ઠ પૂછપરછમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે તેના જ ગામનો ચંદ્રકાન્ત વિનુભાઈ મકવાણા નામનો શખ્સ હાલ દુબઈમાં રહે છે અને તે ત્યાં બેઠા બેઠા આ ગેરકાયદે નેટવર્કનું સંચાલન કરતો હતો. ચંદ્રકાન્તના નિર્દેશ મુજબ વિપુલજી કલોલ ખાતે રહેતા પાર્થકુમાર ರમેશભાઈ દરજી અને તેમની પત્ની ફાલ્ગુનીબેન પાસેથી બેંકિંગ કિટ મેળવી એટીએમ કાર્ડ વડે નાણાં ઉપાડતો હતો. આ ઉપાડેલા નાણાં અન્ય ખાતાઓમાં જમા કરાવવામાં આવતા હતા અને મોટી રકમ ભેગી થાય ત્યારે આંગડિયા પેઢી મારફતે આગળ મોકલી દેવાતી હતી. આ ગેરકાયદે કામ બદલ વિપુલજીને કમિશન મળતું હતું અને તેણે અત્યાર સુધીમાં ૧૫ થી ૨૦ લાખ રૂપિયાની હેરાફેરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે આ કડીના આધારે કલોલમાં પાર્થકુમાર દરજીના ઘરે દરોડો પાડતાં ત્યાંથી પણ અસંખ્ય પાસબુકો, ચેકબુકો, સિમકાર્ડ અને ડિજિટલ સાધનો જપ્ત કરાયા હતા. તપાસમાં ખુલ્યું હતું કે દુબઈમાં બેઠેલા ચંદ્રકાન્ત અને તેના ભાઈ જીતુભાઈના ઈશારે આ દંપતી કામ કરતું હતું. ફાલ્ગુનીબેન મોબાઈલ એપ્લિકેશન્સ અને પાસવર્ડ દ્વારા ઓનલાઈન આર્થિક વ્યવહારો પાર પાડતા હતા, જેના બદલામાં તેમને માસિક રૂ. ૨૦ હજાર કમિશન પેટે મળતા હતા. આ ઉપરાંત થોળના રોબિન નામના શખ્સને પણ આ વ્યવહારો માટે મોબાઈલ સોંપાયા હતા.

પોલીસ દ્વારા કબ્જે કરાયેલા બેંક ખાતાઓના સ્ટેટમેન્ટ કઢાવવામાં આવતા કુલ રૂ. ૬.૧૫ કરોડથી વધુના આર્થિક વ્યવહારો બહાર આવ્યા હતા. સરકારી સમન્વય પોર્ટલ પર તપાસ કરતા સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં થયેલી ૩૪ ઓનલાઈન સાયબર છેતરપિંડીના નાણાં આ ખાતાઓમાં જમા થયા હોવાની પુષ્ટિ થઈ હતી. ગરીબ અને સામાન્ય લોકોના ખાતા ભાડે મેળવીને અથવા તેમની જાણ બહાર ખાતા ખોલાવીને આ કાળો કારોબાર ચલાવાતો હતો. આ પ્રકરણમાં બાવલુ પોલીસે ઠાકોર વિપુલજી, પાર્થકુમાર દરજી, ફાલ્ગુનીબેન દરજી, દુબઈ રહેતા ચંદ્રકાન્ત મકવાણા, જીતુભાઈ મકવાણા, રોબિન, રાજકોટના હેમાંગ ગંગદેવ અને શુભમ નામના શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા તથા માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર આંતરરાષ્ટ્રીય રેકેટના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0