સાબરમતી-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમૂ ટ્રેનને વીડિયો કોન્ફરન્સથી લીલી ઝંડી અપાઈ

ગરવી તાકાત
દિવાળીના તહેવારો ટાણે ગુજરાતના રેલવે મુસાફરો, દૈનિક અપડાઉન કરતા નોકરિયાતો તેમજ સુપ્રસિદ્ધ યાત્રાધામોની મુલાકાતે જતા લાખો શ્રદ્ધાળુઓ માટે રેલવે તંત્ર દ્વારા બે નવી મહત્વપૂર્ણ ટ્રેનોની વિશેષ ભેટ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી આપીને સાબરમતી–વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ ટ્રેનનું વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું. આ બંને ટ્રેનો શરૂ થવાથી કાશી વિશ્વનાથ ધામ તથા શક્તિપીઠ બહુચર માતાજીના દર્શનાર્થે જતા લાખો શ્રદ્ધાળુઓ ઉપરાંત સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજ્યભરના પ્રવાસીઓને સીધી અને ઝડપી મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે.
દૈનિક ધોરણે દોડનારી સાબરમતી–વારાણસી એક્સપ્રેસ ટ્રેન ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ એમ ત્રણ મોટા રાજ્યોના મુખ્ય ઔદ્યોગિક અને ધાર્મિક શહેરોને સીધા રેલવે નેટવર્ક સાથે સાંકળી લેશે. આ ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશનથી દરરોજ વહેલી સવારે ૫.૨૦ વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે ૬.૩૦ વાગ્યે વારાણસી પહોંચશે. તેવી જ રીતે વારાણસીથી પરત ફરતી વખતે આ ટ્રેન સાંજે ૫.૩૦ વાગ્યે ઉપડીને બીજા દિવસે રાત્રે ૮.૧૫ વાગ્યે સાબરમતી પરત આવશે. મુસાફરોની સરળતા ખાતર આ ટ્રેનને મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, ભરતપુર, આગ્રા જંક્શન, ટૂંડલા, ગોવિંદપુરી અને મિર્ઝાપુર સહિતના મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ ફાળવવામાં આવ્યા છે.
બીજી તરફ, ઉત્તર ગુજરાતના સર્વાંગી વિકાસ અને સ્થાનિક લોકોની દૈનિક અવરજવર માટે મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ ટ્રેન ગેમ ચેન્જર સાબિત થશે. બહુચરાજી મંદિર દર્શને જતા યાત્રાળુઓ તેમજ ઓટોમોબાઈલ અને ઔદ્યોગિક હબ તરીકે વિકસી રહેલા બેચરાજી પંથકના હજારો કામદારો, વેપારીઓ અને નોકરિયાતો માટે આ નવી રેલ સેવા આશીર્વાદ સમાન બની રહેશે. આ મેમૂ ટ્રેન દિવસમાં બે વખત દોડશે અને માર્ગમાં ચાંદખેડા, કલોલ, કડી, ભોયણી, કટોસણ રોડ, બેચરાજી, ચાણસ્મા અને રણુજ સ્ટેશનો પર ઊભી રહેશે.
ટ્રેનના સમયપત્રક અનુસાર, આ ટ્રેન સાબરમતીથી સવારે ૬.૪૦ વાગ્યે ઉપડીને ૮.૦૫ વાગ્યે બેચરાજી પહોંચશે અને ત્યાંથી ૮.૦૭ વાગ્યે રવાના થઈ સવારે ૯.૪૫ વાગ્યે મહેસાણા પહોંચશે. વળતા પ્રવાસમાં મહેસાણાથી સાંજે ૪.૪૦ વાગ્યે ઉપડીને સાંજે ૫.૪૯ વાગ્યે બેચરાજી અને ત્યાંથી ૫.૫૧ વાગ્યે ઉપડીને રાત્રે ૮.૩૦ વાગ્યે સાબરમતી પહોંચશે. આ ઉપરાંત સાંજના સમયે સાબરમતીથી ૫.૦૫ વાગ્યે ઉપડી ૬.૪૮ વાગ્યે બેચરાજી પહોંચશે અને ત્યાંથી ૬.૫૦ વાગ્યે રવાના થઈ રાત્રે ૮.૨૫ વાગ્યે મહેસાણા પહોંચશે. સવાર-સાંજ બંને સમયે ટ્રેન સુવિધા ઉપલબ્ધ થતાં અમદાવાદ-સાબરમતીથી કલોલ, કડી, બેચરાજી અને મહેસાણા વચ્ચે અવરજવર કરતા તમામ લોકોને મોટો ફાયદો થશે.