દિવાળી પૂર્વે મહેસાણા ટાઉનહોલમાં મળેલી મનપાની સાધારણ સભામાં વિપક્ષના વિરોધ વચ્ચે મહત્વપૂર્ણ ફેંસલા

October 30, 2026

મહેસાણા મનપાની નવી કચેરી, અત્યાધુનિક કન્વેન્શન સેન્ટર અને વડીલ વંદના યોજના સહિત તમામ ૧૨ દરખાસ્તો બહુમતીથી મંજૂર

 

 

ગરવી તાકાત

મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે આજે મહેસાણા મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરના વિકાસને વેગ આપતાં વિવિધ ૧૨ જેટલા વિકાસકાર્યો અને લોકકલ્યાણની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. દિવાળીના તહેવારો પૂર્વે યોજાયેલી આ બેઠકમાં શરૂઆતથી જ વિરોધપક્ષ દ્વારા આક્રમક વલણ દાખવીને સ્વદેશી મેળા પાછળ થનારા ખર્ચના આયોજન, અદ્યતન કન્વેન્શન સેન્ટરના નિર્માણ તેમજ મહાનગરપાલિકાના નવા ભવનની જગ્યાની પસંદગી મામલે ઉગ્ર વિરોધ નોંધાવીને વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. જો કે, વિપક્ષના તમામ વિરોધ, હોબાળા અને રજૂ કરાયેલા સૂચનો વચ્ચે શાસક પક્ષ ભાજપ દ્વારા પોતાની બહુમતીના જોરે તમામ દરખાસ્તોને બહાલી આપી દેવામાં આવી હતી.

મેયર સોનલ ઓઝાના અધ્યક્ષસ્થાને મળેલી આ સામાન્ય સભામાં શહેરના વ્યાપક હિતને ધ્યાને રાખીને અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા, જેમાં ગત સામાન્ય સભાના પ્રોસિડિંગને બહાલ રાખવાની સાથે રાજ્ય સરકારના દિશાનિર્દેશ મુજબ સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથની બહેનો અને લોકલ ઉત્પાદકોને પૂરતું પ્રોત્સાહન મળી રહે તે હેતુથી આયોજિત થનારા સ્વદેશી મેળાનો તમામ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમગ્ર ઉત્તર ગુજરાતના વ્યાપારી અને ઔદ્યોગિક કેન્દ્ર સમાન મહેસાણા ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનાર, પ્રદર્શનો અને વિવિધ કોન્ફરન્સ યોજી શકાય તે માટે તમામ આધુનિક સુવિધાઓથી સુસજ્જ ભવ્ય કન્વેન્શન સેન્ટર ઊભું કરવા સ્થળ નિર્ધારણ કરવા તેમજ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક અંગેની દરખાસ્તને પણ મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

મહાનગરપાલિકાની હાલની વહીવટી કચેરી વર્ષો જૂની હોવાથી અને કર્મચારીઓ તેમજ મુલાકાતીઓ માટે જગ્યા અપૂરતી જણાતી હોવાથી, નવી સુવિધાસભર મુખ્ય કચેરી બનાવવા માટે શિલ્પા ગેરેજની સામે આવેલી સિટી સર્વે નંબર ૩૧૬૨ વાળી જગ્યા ફાળવવા અંગેની આગળની તમામ કાયદેસરની કાર્યવાહી ઝડપથી હાથ ધરવાનો માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો. વહીવટી નિર્ણયો અંતર્ગત જન્મ-મરણ શાખાના કર્મચારીની સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી સ્વીકારવા ઉપરાંત, શહેરમાં મહિલાઓની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને વિશિષ્ટ વિશ્રામ વ્યવસ્થાઓ ઊભી કરવા પાછળ થનારા ખર્ચને પણ મંજૂર કરવામાં આવ્યો હતો.

આ સભામાં પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને ઘન કચરા વ્યવસ્થાપન નિયમો ૨૦૨૬ના મોડેલ બાયલોઝના કડક અમલીકરણનો ફેંસલો લેવાયો હતો, સાથે જ શહેરમાં ૭૯ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો તેમજ રાત-દિવસ સેવા આપતી મહિલા સફાઈ મિત્રોના ઉત્તમ આરોગ્યની જાળવણી અર્થે ‘વડીલ વંદના આરોગ્ય સેવા યોજના’ અમલમાં મૂકવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરના આયોજનબદ્ધ વિકાસના ભાગરૂપે નગર રચના યોજના નંબર ૧૨ (નાગલપુર)નો ઈરાદો જાહેર કરવા, ટી.પી. યોજના નંબર ૩ ના પ્લોટો અંગે યોગ્ય અનુમોદન આપવા તેમજ ટી.પી. યોજના નંબર ૧૩ અને ૧૪ ની નિયત નીમતાણા ફી ભરવા અંગેની બાબતોને પણ સર્વાનુમતે બહાલ રાખીને શહેરના માળખાકીય વિકાસને વધુ ગતિ આપવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0