પ્રેમિકાને મળવા ગયેલા ફાઇનાન્સ મેનેજરને ઝાડ સાથે બાંધી ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારાયો: બે આરોપી ઝડપાયા

ગરવી તાકાત
ખેરાલુ પોલીસ મથકની હદમાં આવેલા થાંગણા ગામે પ્રેમસંબંધના મામલે એક યુવકને અત્યંત નિર્દયતાથી માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાની કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વાઘરોલ ગામના વતની અને સિદ્ધપુર ખાતે આવેલી ચોલા ફાઇનાન્સ કંપનીમાં ક્રેડિટ મેનેજર તરીકે ફરજ બજાવતા ૩૧ વર્ષીય યુવાન રણજીતજી ચતુરજી ઠાકોરની હત્યા મામલે ખેરાલુ પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ચકચારભરી હત્યાના બનાવના બે દિવસ બાદ પોલીસે સઘન તપાસ અને કાર્યવાહી હાથ ધરીને હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
આ સમગ્ર હૃદયદ્રાવક બનાવની વિગત એવી છે કે મૃતક રણજીતજીને ખેરાલુ તાલુકાના થાંગણા ગામે રહેતા પરિવારની યુવતી સાથે છેલ્લા બે વર્ષ જેટલા સમયથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. ગત ૨૭ ઓક્ટોબરના રોજ રણજીતજી પોતાના મોટરસાઇકલ પર નોકરી પર જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ મોડી રાત સુધી તેઓ પરત ન ફરતાં પરિવારજનો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. દરમિયાન બીજા દિવસે વહેલી સવારે પરિવાર પર એક ફોન આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે રણજીતજી થાંગણા ગામે યુવતીને મળવા પહોંચ્યા હતા અને ત્યાં સ્થાનિકો દ્વારા પકડાઈ ગયા છે. આ સમાચાર સાંભળતાં જ મૃતકના પિતા ચતુરજી બદસંગજી ઠાકોર સહિતના પરિવારજનો તાબડતોબ વાહનની વ્યવસ્થા કરીને થાંગણા ગામે પહોંચ્યા હતા.
પરિવારજનો જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ગામમાં એક આંબલીના ઝાડ નીચે લોખંડના ખાટલા પર કંતાનનો કોથળો ઢાંકેલી હાલતમાં રણજીતજીનો મૃતદેહ પડ્યો હતો. મૃતદેહ પરથી કોથળો હટાવીને જોતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે યુવકના શરીર પર પીઠના ભાગે, ગળામાં તેમજ બંને પગમાં ઘૂંટણ સુધી લાકડીઓ અને ધોકાઓ વડે ક્રૂરતાપૂર્વક માર મારવાના ઊંડા ઘા અને લોહીના નિશાનો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. સ્થળ પર હાજર યુવતીની માતાએ કબૂલાત કરી હતી કે રાત્રિના સમયે રણજીતજી તેમની દીકરીને મળવા આવ્યા ત્યારે પરિવારજનો જાગી ગયા હતા અને તેમને પકડી લીધા હતા. ત્યારબાદ પરિવારે ભેગા મળીને રણજીતજીના હાથ-પગ આંબલીના ઝાડ સાથે બાંધી દીધા હતા અને ધોકાઓ વડે બેરહેમીથી માર માર્યો હતો. આ હુમલામાં મદદ માટે સાકરી ગામથી અન્ય એક વ્યક્તિને પણ બોલાવીને યુવાન પર ઘાતકી પ્રહારો કરવામાં આવ્યા હતા.
અસહ્ય અને ગંભીર ઈજાઓના કારણે યુવાન સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો અને થોડી જ વારમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓએ મૃતદેહને ખાટલા પર મૂકી દીધો હતો અને યુવતીને લઈને અન્ય લોકો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ખેરાલુ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને કબ્જે લઈ કાયદેસરની તપાસ હાથ ધરી હતી. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે, જ્યારે ફરાર થઈ ગયેલા અન્ય બે આરોપીઓની ધરપકડ કરવા માટે વિવિધ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘાતકી હત્યાના પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે.