ગરવી તાકાત ઃ10-10-2026

સમગ્ર વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ માટે જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે તેવો ભક્તિ અને શક્તિનો મહાપર્વ એટલે આસો નવરાત્રી. હવે જ્યારે ગણતરીના દિવસોમાં જ મા આદ્યશક્તિની આરાધનાના આ પાવન ઉત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાતભરમાં નવરાત્રીના વધામણાં માટે પ્રિ-નવરાત્રી આયોજનોની જબરદસ્ત ધૂમ જોવા મળી રહી છે. આ ઉત્સવની શ્રૃંખલામાં કડી શહેરના થોળ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ‘ત્રિશા પાર્ટી પ્લોટ’ ખાતે “રંગતાલી ૨૦૨૬” પ્રિ-નવરાત્રી મહોત્સવનું અત્યંત ભવ્યાતિભવ્ય અને આકર્ષક આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. નવરાત્રી પૂર્વે જ આયોજિત આ કાર્યક્રમને લઈને સમગ્ર પંથકના રાસ-ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ અને રોમાંચનો માહોલ જોવા મળ્યો હતો.
આ ભવ્ય પ્રિ-નવરાત્રી મહોત્સવમાં ગુજરાતના જાણીતા લોકગાયક ઋષભ આહીર તેમજ સુરીલા કંઠના માલિક ડૉ. પ્રતિષ્ઠા વાઘેલાએ પોતાના સુમધુર સૂરો રેલાવીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મા અંબાની સ્તુતિ અને આરાધનાથી શરૂ થયેલા આ ગરબા મહોત્સવમાં ગાયકોએ પ્રાચીન અને અર્વાચીન ગરબાઓની રમઝટ બોલાવીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને અદભુત ઊર્જાથી ભરી દીધું હતું. ઢોલના ધબકારે અને મનમોહક સંગીતના તાલ પર કડી શહેર અને આસપાસના વિસ્તારોમાંથી ઉમટી પડેલા યુવા ખેલૈયાઓ મોડી રાત સુધી ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા અને તાળીઓના ગડગડાટ સાથે માહોલ ગૂંજતો કરી મૂક્યો હતો.
નવરાત્રીના આગમન પહેલાં યોજાયેલા આ વિરાટ ગરબા ઉત્સવમાં યુવક-યુવતીઓ અનોખી રંગત સાથે પરંપરાગત ચણિયા-ચોળી, કેડિયા અને દેશી આભૂષણો જેવા આકર્ષક ટ્રેડિશનલ પરિધાનમાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. મનમોહક રોશની અને ધબકતા સંગીત વચ્ચે ખેલૈયાઓએ વિવિધ સ્ટેપ્સ અને અવનવી સ્ટાઈલ સાથે તાલબદ્ધ રાસ-ગરબા રમીને ત્રિશા પાર્ટી પ્લોટને સાચા અર્થમાં એક મિનિ મહોત્સવમાં ફેરવી દીધો હતો. આયોજનની ઉત્કૃષ્ટ વ્યવસ્થા અને કલાકારોના અનોખા પર્ફોર્મન્સે કડીના નાગરિકો માટે આ સાંજને લાંબા સમય સુધી યાદ રહી જાય તેવી યાદગાર બનાવી દીધી હતી.