ગરવી તાકાત ઃ 10-10-2026

મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિષ્ઠિત મ્યુઝિક કંપનીના કોપીરાઇટ ધરાવતા ઓડિયો ગીતોનો કોઈપણ પ્રકારની સત્તાવાર પરવાનગી કે લાયસન્સ વગર ગેરકાયદેસર વ્યવસાયિક ઉપયોગ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુપર કેસેટ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (ટી-સીરીઝ) કંપનીની એન્ટી પાયરસી સેલની ટીમે સ્થાનિક પોલીસ સ્ટાફને સાથે રાખીને નંદાસણ હાઈવે પર આવેલા એક ફોટો સ્ટુડિયોમાં ઓચિંતો દરોડો પાડી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે, જેના પગલે ગેરકાયદે મ્યુઝિક મિક્સિંગ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સમગ્ર ઘટનાની વિગત મુજબ, ટી-સીરીઝ કંપનીમાં એન્ટી પાયરસી એક્ઝીક્યુટિવ તરીકે ફરજ બજાવતા મિત ચેલાભાઈ દેસાઈને ચોક્કસ બાતમી મળી હતી કે નંદાસણ હાઈવે પર આવેલા શ્રી હરિ કોમ્પ્લેક્સમાં સ્થિત ‘શ્રીજી ફોટો સ્ટુડિયો’માં કંપનીની માલિકી ધરાવતા કોપીરાઇટવાળા ગીતોનો બેરોકટોક ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો છે. સ્ટુડિયો સંચાલક કોઈપણ પ્રકારના માન્ય લાયસન્સ કે અધિકૃત લેખિત મંજૂરી વિના પ્રી-વેડિંગ શૂટ તેમજ લગ્ન પ્રસંગના વિવિધ વિડિયો ફૂટેજના ડેટામાં કંપનીના લોકપ્રિય ગીતોનું મિક્સિંગ કરી વ્યાવસાયિક ધોરણે નાણાં કમાઈ રહ્યો હતો. કંપનીના અધિકારીઓએ ખાનગી રાહે તપાસ હાથ ધરી આ માહિતીની પુષ્ટિ કરી હતી.
બાતમી સાચી હોવાની ખાતરી થતાં કંપનીના પ્રતિનિધિઓએ નંદાસણ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. ત્યારબાદ પોલીસ કાફલા અને પંચોને સાથે રાખીને ‘શ્રીજી ફોટો સ્ટુડિયો’માં સંયુક્ત રેડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન દુકાનમાં હાજર સંચાલક રવીન્દ્રભાઈ દેવજીભાઈ સુતરીયા મળી આવ્યા હતા. પોલીસે દુકાનમાં ચાલુ હાલતમાં રહેલા કોમ્પ્યુટર સિસ્ટમની તલાશી લેતાં તેમાં ‘સત્યમેવ જયતે-૨’ ફિલ્મનું હિટ ગીત “મેરી ઝિંદગી હે” તેમજ ‘યમલા પગલા દીવાના’ ફિલ્મનું “ચઢા દે રંગ” સહિત ટી-સીરીઝના માલિકી હક્કવાળા અનેક ગીતો લગ્નના વિડિયો ડેટા સાથે મિક્સ કરેલા મળી આવ્યા હતા. સ્થળ પર હાજર સંચાલક પાસે આ ગીતોના વ્યવસાયિક ઉપયોગ માટેનું સત્તાવાર લાયસન્સ માંગવામાં આવતાં તેની પાસે કોઈ પણ પ્રકારની પરવાનગી ન હોવાનું સામે આવ્યું હતું.
આ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલું અંદાજે રૂપિયા ૪૦,૦૦૦ની કિંમતનું કાળા કલરના કેબિનેટવાળું સીપીયુ (CPU) કાયદેસર મુદ્દામાલ તરીકે જપ્ત કર્યું હતું. આ મામલે ટી-સીરીઝના પ્રતિનિધિ મિત દેસાઈની સત્તાવાર લેખિત ફરિયાદના આધારે નંદાસણ પોલીસે આરોપી રવીન્દ્રભાઈ દેવજીભાઈ સુતરીયા વિરુદ્ધ ધી કોપીરાઇટ એક્ટ, ૧૯૫૭ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ સમગ્ર કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ રમેશજીને સોંપવામાં આવી છે.