ગરવી તાકાત ઃ 10-10-2026

મહેસાણા શહેરના અત્યંત ધમધમતા એવા મામલતદાર કચેરી અને વણીકર ક્લબના ગેટ સામે છેલ્લા ચાર દિવસથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. મુખ્ય માર્ગ પર સતત ગટરનાં ગંદા અને દુર્ગંધ મારતાં પાણીનો ભરાવો થઈ રહ્યો હોવાથી સ્થાનિક રહીશો, રાહદારીઓ તેમજ વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. શહેરના વહીવટી કેન્દ્ર સમાન વિસ્તારમાં આટલા દિવસોથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી હાથ ન ધરાતાં સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ અને નારાજગી ભભૂકી ઊઠી છે.
આ માર્ગ પર શહેરની બે જાણીતી શાળાઓ આવેલી હોવાથી દરરોજ અભ્યાસ અર્થે આવતાં માસૂમ બાળકો અને તેમના વાલીઓને નાછૂટકે ગંદા અને અસ્વચ્છ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ સરકારી કામકાજ માટે મામલતદાર કચેરીએ આવતા સેંકડો અરજદારોને પણ કચેરીમાં પ્રવેશતી વખતે આ ગંદકીનો સામનો કરવો પડે છે. મુખ્ય રસ્તા પર દિવસ-રાત વાહનોની અવરજવર રહેતી હોવાથી ગંદા પાણીના છાંટા રાહદારીઓ પર ઊડવાના બનાવો પણ બની રહ્યા છે, જેના કારણે લોકોની હાલાકીમાં અનેકગણો વધારો થયો છે.
માર્ગ પર સતત પાણી ભરાયેલું રહેવાથી સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના લીધે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. શહેરના આવા અતિ મહત્વના જાહેર માર્ગ પર ચાર-ચાર દિવસ સુધી ગટરનાં પાણી વહેતાં રહેતાં નગરપાલિકાના ડ્રેનેજ અને આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશો અને વેપારીઓએ આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે કાયમી નિરાકરણ લાવવા અને રસ્તાની સ્વચ્છતા પુનઃસ્થાપિત કરવા ઉગ્ર માંગણી કરી છે, જેથી શાળાના નિર્દોષ બાળકો અને સામાન્ય જનતાને આ પારાવાર મુશ્કેલીમાંથી મુક્તિ મળી શકે.