ગરવી તાકાત ઃ 10-10-2026

કડી માં નવરાત્રિ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને ખેલૈયાઓ નિર્ભય બનીને ગરબે ઘૂમી શકે તે માટે કડી પોલીસ એક્શન મોડમાં આવી છે. નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને કડી ખાતે આવેલ જુના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કડી પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એસ. રબારીએ રોમિયોગીરી કરતા ઇસમો અને અસામાજિક તત્ત્વોને સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન કોઈપણ પ્રકારની અશાંતિ, છેડતી કે અસામાજિક પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. ખાસ કરીને રાત્રિના સમયે યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સતત સતર્કતા રાખવામાં આવશે.
તડીપાર થયા બાદ પણ કડીમાં આશરો લેનારાઓ પર પોલીસની નજર
બહારથી તડીપાર થયા બાદ કડીમાં આવીને આશરો લેતા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહેતા તત્ત્વોને પણ પી.આઈ. એ.એસ. રબારીએ સુધરી જવા અપીલ કરી છે. કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
રોમિયોગીરી કરનારાઓ સામે પોલીસની લાલ આંખ
નવરાત્રિ દરમિયાન ગરબા સ્થળો તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની રોમિયોગીરી કે અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે કડી પોલીસ સજ્જ બની છે. તહેવારના માહોલમાં ખલેલ પહોંચાડનારાઓ સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નવરાત્રિનો તહેવાર શાંતિ, સલામતી અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તેમજ નાગરિકો નિર્ભય બનીને તહેવારનો આનંદ માણી શકે તે માટે કડી પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસની આ ચેતવણીથી અસામાજિક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે , જ્યારે શાંતિપૂર્ણ નવરાત્રિ માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.