પાટણ:ગરવી તાકાત 17-9-2026
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના વિશેષ અવસરે પાટણ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તેમજ પાટણ શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું ભવ્ય અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. પાટણની વિશ્વવિખ્યાત ઐતિહાસિક વિરાસત રાણકીવાવના પરિસરમાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ૨ હજાર જેટલા પવિત્ર દીવડાઓ પ્રગટાવીને વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રસેવાના સંકલ્પો માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. દીવડાઓની અદભુત રોશનીથી ઐતિહાસિક વાવ પરિસર ભક્તિભાવપૂર્ણ અને દિવ્ય માહોલમાં ઝળહળી ઊઠ્યું હતું. આ પાવન અવસરે ઐતિહાસિક કાલિકા માતાજીના મંદિરે પણ વિશેષ મહાઆરતી સંપન્ન કરવામાં આવી હતી.

આ ગરિમામય કાર્યક્રમમાં પાટણના લોકપ્રિય સાંસદ બાબુભાઈ દેસાઈ, પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રભારી સત્યન કુલાબકર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી સંજય પટેલ, લાલજી દેસાઈ અને બાબુજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વહીવટી તંત્ર તરફથી પાટણ જિલ્લા કલેક્ટર પ્રશાંત જીલોવા, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી થઈને કાર્યક્રમની શોભા વધારી હતી.
આ ઉજવણી દરમિયાન પાટણ જિલ્લા અને શહેર સંગઠનના વિવિધ હોદ્દેદારો, મોરચાના પદાધિકારીઓ, શક્તિ કેન્દ્રના સંયોજકો અને પ્રભારીઓ, નગરપાલિકાના નગરસેવકો તેમજ વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ નાગરિકો અને આગેવાનોએ રાણકીવાવ પરિસરમાં એકસાથે દીપ પ્રાગટ્ય કરીને ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમને પૂર્ણ ઉત્સાહ અને આસ્થા સાથે સફળ બનાવ્યો હતો.


