કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સ્વયં બાઈક સવાર બની યાત્રામાં જોડાયા: નગરજનો અને ભાજપ સંગઠન દ્વારા પુષ્પવૃષ્ટિ અને ભારત માતા કી જયના નારાઓ સાથે ઐતિહાસિક સ્વાગત
વિસનગર,ગરવી તાકાત 18-9-2026

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પ્રેરણાદાયી ઉદ્દેશ્ય સાથે ઐતિહાસિક નગરી વડનગરથી ધાર્મિક અને સાંસ્કૃતિક નગરી વારાણસી સુધી યોજાયેલી વિશેષ બાઈક યાત્રાનું વિસનગર શહેરમાં અત્યંત ઉત્સાહપૂર્વક આગમન થયું હતું. વડનગરથી શરૂ થયેલી આ યાત્રામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉત્સાહભેર પોતે બાઈક પર સવાર થઈને જોડાયા હતા, જેને જોઈને સમગ્ર શહેરમાં અનોખો જોમ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
બાઈક યાત્રા જેવી વિસનગરની સરહદમાં પ્રવેશી કે તરત જ સમગ્ર વાતાવરણ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ભારતીય જનતા પાર્ટી વિસનગર શહેર સંગઠન તથા હજારોની સંખ્યામાં ઉમટેલા સ્થાનિક નગરજનો દ્વારા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિત યાત્રામાં સામેલ તમામ બાઈકર્સનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નગરમાં પ્રવેશતા જ આખી યાત્રાનું સ્વરૂપ ઉત્સવ જેવું બની ગયું હતું.
શહેરના મુખ્ય રાજમાર્ગો અને વિવિધ વિસ્તારોમાં આ બાઈક યાત્રાના સ્વાગત માટે કાર્યકરો અને જનમેદની કલાકો અગાઉથી રાહ જોઈને ઊભી હતી. યાત્રા પસાર થતી વખતે રસ્તાઓ પર નાગરિકો દ્વારા બાઈકર્સ પર અવિરત પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. ભારતીય પરંપરા અનુસાર મંત્રીશ્રી તેમજ તમામ યાત્રીઓને કંકુ-તિલક કરીને તેમની સુરક્ષિત અને સફળ યાત્રા માટે હૃદયપૂર્વક અભિવાદન પાઠવવામાં આવ્યું હતું. રસ્તાઓ પર લોકોનો થનગનાટ અને સેવા સંકલ્પ પ્રત્યેનો આદર સ્પષ્ટપણે વર્તાતો હતો.
આ ગૌરવપૂર્ણ અવસરે વિસનગર શહેર ભાજપ સંગઠનના પ્રમુખ સહિતના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ મોરચાના અગ્રણીઓ, કાર્યકરો તેમજ શહેરના સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નગરજનોએ સેવા સંકલ્પ અભિયાનના ઉમદા હેતુની સરાહના કરી હતી અને વડનગરથી વારાણસી સુધીનો લાંબો પ્રવાસ ખેડી રહેલા તમામ બાઈકર્સને આગળની મજલ માટે ઉત્સાહપૂર્વક શુભેચ્છાઓ પાઠવી યાત્રાને આગળ રવાના કરી હતી.


