વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શાસન અને રાષ્ટ્રસેવાનાં અવિરત ૨૫ વર્ષ પૂર્ણ

September 17, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ

 

ઐતિહાસિક ભૂમિ વડનગરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ: શર્મિષ્ઠા તળાવે મહાઆરતી બાદ કાશી વિશ્વનાથ સુધીની વિશાળ બાઈક રેલીનું પ્રસ્થાન

 

૨૫૦થી વધુ બાઈકર્સ શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ લઈ વારાણસી પહોંચશે; રેલવે સ્ટેશન ખાતે શ્રમદાન અને વૃક્ષારોપણ સાથે રાષ્ટ્રનિર્માણનો પ્રેરણાદાયી સંદેશ

વડનગર:ગરવી તાકાત 17-9-2026

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ તથા તેમના જાહેર જીવનમાં જનસેવાથી રાષ્ટ્રસેવાના અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે તેમની જન્મભૂમિ મહેસાણાના વડનગર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’નો અત્યંત ભવ્ય અને ઉત્સાહપૂર્ણ માહોલમાં શુભારંભ કરવામાં આવ્યો છે. વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવના કિનારે યોજાયેલા આ વિરાટ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ શર્મિષ્ઠા તળાવના ઘાટ પર આયોજિત ભવ્ય મહાઆરતીમાં પૂર્ણ શ્રદ્ધાભાવ સાથે સહભાગી થઈને વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રસેવાના સંકલ્પોની પૂર્તિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.

શર્મિષ્ઠા તળાવ ખાતે ભક્તિભાવપૂર્ણ મહાઆરતી સંપન્ન થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રીશ્રી અને અન્ય મંત્રીઓએ શર્મિષ્ઠા ઘાટ પરથી સુપ્રસિદ્ધ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર સુધી એક પ્રેરણાદાયી પદયાત્રા યોજી હતી. નગરમાંથી પસાર થતી આ પદયાત્રા દરમિયાન સ્થાનિક નાગરિકોએ પુષ્પવર્ષા કરીને સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. ત્યારબાદ મહાનુભાવોએ ઐતિહાસિક તીર્થધામ હાટકેશ્વર મહાદેવના ચરણોમાં શીશ નમાવી, વિધિવત પૂજા-અર્ચના કરી દેશ અને ગુજરાત રાજ્યની સતત ઉન્નતિ, શાંતિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ મેળવ્યા હતા.

આ ગરિમાપૂર્ણ અવસરે વિશાળ જનમેદનીને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કોઈપણ રાજનેતાએ એક પણ દિવસની રજા લીધા વિના સતત ૨૫ વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે અવિરત સેવા આપી હોય તેવો અદ્વિતીય વિક્રમ માત્ર શ્રી નરેન્દ્ર મોદીએ સ્થાપ્યો છે. તેમના ૨૫ વર્ષના જાહેર જીવન પર ભ્રષ્ટાચારનો એક પણ ડાઘ નથી અને વિરોધીઓ પણ તેમના પર ક્યારેય વ્યક્તિગત આક્ષેપ કરી શક્યા નથી. પ્રધાનમંત્રીશ્રીએ ૧૪૦ કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માની ‘ભારત પ્રથમ’ના ઉચ્ચ આદર્શ સાથે દેશના શાસનને નવી દિશા અને નવી ગતિ આપી છે. શ્રી શાહે વધુમાં ઉમેર્યું કે છેલ્લા ૧૨ વર્ષનો શાસનકાળ ગરીબ કલ્યાણનો સુવર્ણ યુગ સાબિત થયો છે, જેમાં ૨૫ કરોડથી વધુ નાગરિકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને ૮૦ કરોડ જરૂરિયાતમંદોને મફત રાશન, આવાસ, વીજળી, શૌચાલય, ગેસ અને નિઃશુલ્ક સારવાર જેવી પાયાની સુવિધાઓ પહોંચાડીને છેવાડાના માનવીનું જીવનધોરણ ઊંચું લાવવામાં આવ્યું છે. તેમણે ભારતને ‘ફ્રેઝાઈલ ફાઈવ’માંથી બહાર લાવી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનાવવાનો શ્રેય વડાપ્રધાનના મક્કમ નેતૃત્વને આપ્યો હતો તેમજ ગુજરાતમાં શરૂ થયેલા ૨૪ કલાક વીજળી, જ્યોતિગ્રામ, વનબંધુ અને સાગરખેડૂ કલ્યાણ જેવા સફળ મોડેલ્સ આજે રાષ્ટ્રવિકાસનો મુખ્ય આધારસ્તંભ બન્યા હોવાનું ગૌરવપૂર્વક જણાવ્યું હતું. તેમણે કલમ ૩૭૦ નાબૂદી, સર્જિકલ સ્ટ્રાઈક અને ડિજિટલ ઈન્ડિયા જેવા ક્રાંતિકારી નિર્ણયોનો ઉલ્લેખ કરી ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં વડનગરની ભૂમિને વંદન કરતા જણાવ્યું હતું કે આ પવિત્ર માટીએ વડાપ્રધાનશ્રીને દેશપ્રેમ, સાદગી અને લોકસેવાની અમૂલ્ય પ્રેરણા આપી છે. વડાપ્રધાનશ્રીની ૨૫ વર્ષની અવિરત સાધના થકી ભારત આજે વૈશ્વિક સ્તરે ટેલેન્ટ પૂલ અને તકોનો દેશ બનીને ઊભરી આવ્યો છે. એક સમયે ટેકનોલોજીમાં પછાત ગણાતો દેશ આજે ડિજિટલ પેમેન્ટથી લઈને સ્પેસ ટેકનોલોજી સુધી સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડી રહ્યો છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્ર થકી આજે ૪ કરોડ ગરીબોને પાકા મકાનો મળ્યા છે અને ભારત ૭.૮ ટકાના વિકાસ દર સાથે આત્મનિર્ભરતા તરફ કૂચ કરી રહ્યું છે. દેશમાંથી નક્સલવાદના થયેલા સફાયા અને તાજેતરમાં ભારતમાં યોજાયેલી બ્રિક્સ સમિટની ઐતિહાસિક સફળતા થકી ભારત આજે સાચા અર્થમાં ‘વિશ્વમિત્ર’ તરીકે પ્રસ્થાપિત થયું છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેએ વડાપ્રધાનશ્રીને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે વડનગરની માટીમાંથી ઊઠેલો અવાજ આજે વૈશ્વિક મંચો પર ગુંજી રહ્યો છે, જ્યારે કેન્દ્રીય મંત્રી સુશ્રી અનુપ્રિયા પટેલે છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડવાની ‘લાસ્ટ માઈલ ડિલિવરી’ નીતિની સરાહના કરી ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના સંકલ્પને બિરદાવ્યો હતો.

કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી હાટકેશ્વર મંદિર પરિસર ખાતેથી વડનગરથી વારાણસી સુધીની ભવ્ય બાઈક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શર્મિષ્ઠા ઘાટ પરથી કળશમાં ગ્રહણ કરવામાં આવેલું પવિત્ર જળ લઈને ૨૫૦થી વધુ યુવા બાઈકર્સ આધ્યાત્મિક નગરી વારાણસી પહોંચશે અને કાશી વિશ્વનાથ મહાદેવને જલાભિષેક કરશે. ‘અનંત અનાદિ’ વડનગરથી ‘આધ્યાત્મિક’ વારાણસી વચ્ચેનો આ પ્રવાસ બે ઐતિહાસિક નગરો વચ્ચેના અતૂટ સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરવા સાથે નિર્ધારિત રૂટ પર રાષ્ટ્રસેવા, સમર્પણ અને જનજાગૃતિનો પ્રસાર કરશે.

કાર્યક્રમના અંતિમ ચરણમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને મહાનુભાવોએ વડનગર રેલવે સ્ટેશન ખાતે આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે શ્રમદાન કર્યું હતું અને નાગરિકોને પોતાના પરિસરને સ્વચ્છ રાખવા આહવાન કર્યું હતું. સાથોસાથ પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે ‘એક પેડ મા કે નામ’ ઝુંબેશ અંતર્ગત રેલવે સ્ટેશન પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ ગૌરવવંતા પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, અગ્રણી શ્રી જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, સંતો-મહંતો અને હજારોની સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0