વિસનગર-સેવાલિયા રોડ પર તબેલામાં ધમધમતા જુગારધામ પર મહેસાણા LCBનો સપાટો

September 15, 2026

૮ જુગારીઓ ₹૧.૦૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા, સંચાલક સહિત ૨ ફરાર

ગરવી તાકાત ઃ 16-9-2026

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે વિસનગર પંથકમાં ચાલી રહેલા ગેરકાયદે જુગારધામ પર તવાઈ બોલાવી મોટી સફળતા મેળવી છે. વિસનગર ટાઉન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વિસનગરથી સેવાલિયા તરફ જતા માર્ગ પર પાપડીની ફેક્ટરી સામે આવેલા એક તબેલામાં મોટા પાયે હારજીતનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. બાતમી મુજબ, વિસનગરનો ગણેશજી ઉર્ફે ગની કનુજી ઠાકોર નામનો શખ્સ ફતેહ દરવાજા વિસ્તારમાં રહેતા નિર્મલભાઈ બાબુભાઈ પટેલના માલિકીના તબેલાની ખુલ્લી જગ્યામાં બહારથી લોકોને બોલાવીને પાના પત્તાનો જુગાર રમાડી રહ્યો હતો.

ચોક્કસ બાતમી મળતાં જ એલસીબીની ટીમે પંચોને સાથે રાખી તબેલાની આસપાસ વ્યૂહાત્મક ઘેરાબંધી કરી અચાનક દરોડો પાડ્યો હતો. તબેલામાં ભેંસો બાંધવાની જગ્યા પાસે કેટલાક શખ્સો ગોળ કુંડાળું વળીને મીણીયાના પાથરણા પર પૈસાની હારજીતનો ખેલ ખેલી રહ્યા હતા. પોલીસની અચાનક એન્ટ્રી થતાં જ જુગારીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. જોકે એલસીબીના ચપળ સ્ટાફે કોર્ડન કરીને સ્થળ પરથી આઠ જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પરંતુ આ જુગારધામ સંચાલિત કરનાર મુખ્ય સૂત્રધાર ગણેશજી ઉર્ફે ગની કનુજી ઠાકોર તેમજ તબેલામાં જગ્યા પૂરી પાડનાર નિર્મલભાઈ બાબુભાઈ પટેલ પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી ઝડપેલા શખ્સોની ઓળખ મેળવી પૂછપરછ કરતાં તેમાં ખેરાલુ તાલુકાના ડભોડા ગામના કામરાજજી દિવાનજી ઠાકોર, વિસનગરના જમાઈપરા વિસ્તારના રાજેશજી પોપટજી ઠાકોર, હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારના ઇમ્તીયાઝભાઇ અહેમદભાઇ મનસુરી અને કાદીરભાઇ લબ્રાહીમભાઇ દીવાન, તેમજ વિસનગરના ઇન્દિરાનગરમાં રહેતા રાહુલજી પ્રહલાદજી ઠાકોર, વસંતજી અનારજી ઠાકોર, વિકાજી નટવરજી ઠાકોર અને દેવભૂમિ ટાઉનશીપના નિર્મલકુમાર રોહીતભાઇ પટેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જુગારના પટમાંથી તેમજ ઝડપાયેલા શખ્સોની અંગઝડતીમાંથી રોકડા ₹૯૦,૫૦૦, વિવિધ કંપનીઓના મોબાઇલ ફોન અને જુગારનું સાહિત્ય મળી કુલ ₹૧,૦૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે પકડાયેલા આઠ આરોપીઓ તેમજ ફરાર થઈ ગયેલા બે મુખ્ય આરોપીઓ સહિત કુલ દસ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરનો ગુનો નોંધીને પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0