ગરવી તાકાત ઃ 15-8-2026
વિજાપુર શહેરના માર્ગો પર રખડતા ઢોરનો ઉપદ્રવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અત્યાર સુધી માત્ર રસ્તાઓ પર જ ભટકતી ગાયો હવે જાહેર અને સુરક્ષિત ગણાતા સ્થળો સુધી પહોંચી જતાં નાગરિકોની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. શહેરના ટીબી રોડ પર સ્થિત બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં તંત્ર અને બેંક પ્રશાસનની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રૂપિયા ઉપાડવા આવતા ગ્રાહકોની જગ્યાએ ગાયો અંદર આરામ ફરમાવતી જોવા મળી હતી. એટીએમ કમ પાસબુક પ્રિન્ટિંગ સેન્ટરમાં ગાય બેઠેલી નજરે પડતાં સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સાથે ઉગ્ર રોષ ફેલાયો છે.
નાણાં ઉપાડવા કે પાસબુક પ્રિન્ટ કરાવવા આવતા ગ્રાહકો ગાયના ડરના કારણે અંદર જવાનું ટાળી રહ્યા છે. અંદર પ્રવેશતાં જ પશુ હુમલો કરે કે શીંગડે ચડાવે તો ગંભીર ઈજા થઈ શકે તેવો ભય લોકોને સતત સતાવી રહ્યો છે. આ ગંભીર લાપરવાહીને પગલે એટીએમ સેન્ટરની સુરક્ષા વ્યવસ્થા અને દરવાજાની યોગ્ય જાળવણી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. જો કોઈ અણબનાવ બને તો તેની જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્ન ઉઠાવી સ્થાનિક રહીશો અને ગ્રાહકોએ બેંક પ્રશાસન તેમજ વિજાપુર નગરપાલિકા તંત્ર સામે તાત્કાલિક પગલાં ભરી રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ઉગ્ર માંગ કરી છે.


