રાધનપુર તાલુકાની બંધવડ સેવા સહકારી મંડળીમાં કરોડોનું કૌભાંડ: ખેડૂતોમાં ભારે રોષ

September 15, 2026

ગરવી તાકાત

ખેડૂતોના નામે બોગસ દસ્તાવેજો બનાવી રૂ. 4.43 કરોડનું પાકધિરાણ ઓળવી જનાર મંત્રી સામે ગુનો; બેંકના જવાબદારોને બચાવવાનો આગેવાનોનો આરોપ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની ધી બંધવડ ગ્રુપ સેવા સહકારી મંડળીના મંત્રી રાયમલભાઈ વાલાભાઈ રબારી સામે ખેડૂત સભાસદોના નામે બોગસ દસ્તાવેજો ઊભા કરી રૂ. 4,43,10,000 નું પાકધિરાણ મેળવી ઉચાપત કરવાનો ગુનો નોંધાયો છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ (બનાસ) બેંકની રાધનપુર શાખાના સીનિયર ઇન્સ્પેક્ટર દ્વારા રાધનપુર પોલીસ મથકે આ અંગે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

SIT અથવા CID ક્રાઈમ દ્વારા તપાસની માંગ
સામાજિક આગેવાન ખેતાભાઈ ચૌધરીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે બેંકે માત્ર મંત્રી સામે ફરિયાદ નોંધી પોતાના શાખા અધિકારી, સીનિયર ઇન્સ્પેક્ટર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને બચાવવાનો પ્રયાસ કર્યો છે. 299માંથી માત્ર 15 સભાસદો જ સાચા હોવાનો દાવો કરતાં તેમણે તમામ ખેડૂતોના નિવેદનો લઈ SIT કે CID ક્રાઈમ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે.

મંડળીના મંત્રીએ 299 સભાસદો માટે કુલ રૂ. 6.48 કરોડથી વધુના પાકધિરાણની માંગણી કરી હતી. ધિરાણ મંજૂર થયા બાદ કેટલાક ખેડૂતોએ પોતાની જાણ બહાર ધિરાણ લેવાયું હોવાની બેંકમાં રજૂઆત કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. બેંકની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે 147 જેટલા સભાસદોના નામે ખોટા માંગણા પત્રકો અને બોગસ સહીઓ દ્વારા સેડો એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. જમીનની બોજા નોંધ વિના તેમજ અધૂરા દસ્તાવેજોના આધારે વર્ષ 2017થી 2023 દરમિયાન આ રકમ મેળવી મંત્રીએ અંગત ઉપયોગમાં વાપરી લીધી હતી. આ કૌભાંડ સામે આવતાં ખેડૂતો અને સામાજિક આગેવાનોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે.

પીડિત ખેડૂતોની ચોંકાવનારી આપવીતી

અમાભાઈ (ખેડૂત): સહી કે ચેક વગર જ તેમના નામે બારોબાર રૂ. 2.47 લાખ ઉપાડી લેવાયા. પોલીસ ખેડૂતોની અલગ ફરિયાદ લેતી નથી.

રાયમલભાઈ રબારી (કોલાપુર): જે તે સમયે તેઓ ખેડૂત પણ નહોતા અને બેંકમાં ખાતું પણ ન હોવા છતાં તેમના નામે નાણાં ઉપાડાયા.

પીડિત મહિલા ખેડૂત (બંધવડ): જમીન વેચાઈ ગયાને 40 વર્ષ અને પતિના અવસાનને 12 વર્ષ થયા હોવા છતાં, અંધારામાં રાખીને તેમના નામે રૂ. 18 લાખનું ધિરાણ ઉપાડી લેવાયું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0