ગરવી તાકાત ઃ વિસનગર
તા.11-9-2026

વિસનગરની કાંસા ચોકડી ખાતે વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. છોગાળા ગામે ધાર્મિક પ્રસંગે હવન-પૂજન કરાવવા જઈ રહેલા બે ભૂદેવને પૂરપાટ ઝડપે આવી રહેલા દૂધના ટેન્કરે અડફેટે લેતાં બંનેનાં ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.
મળતી માહિતી અનુસાર, વિસનગરના શ્રી હરિ ડુપ્લેક્ષમાં રહેતા અશોકભાઈ નટવરલાલ ત્રિવેદી તેમજ ગાયત્રી રોયલ્સ બંગલોઝના રહેવાસી નવીનભાઈ વ્યાસ એક્ટિવા લઈને છોગાળા ગામે હવન કરાવવા નીકળ્યા હતા. તેઓ કાંસા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે માતેલા સાંઢની જેમ ધસી આવેલા દૂધના ટેન્કરે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે ટેન્કર એક્ટિવા સહિત બંને ભૂદેવોને થોડે દૂર સુધી ઢસડી ગયું હતું. લોકો ચીસાચીસ કરતા રહ્યા છતાં ટેન્કરચાલકે વાહન થોભાવ્યું નહોતું. આ સમગ્ર કમકમાટીભરી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે.
અકસ્માત સર્જીને નાસી છૂટવાનો પ્રયાસ કરી રહેલા ટેન્કરચાલકને આસપાસના લોકોએ પીછો કરીને ઝડપી પાડ્યો હતો અને તેને વિસનગર પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે ચાલકની અટકાયત કરી કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતક નવીનભાઈ વ્યાસને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, જ્યારે અશોકભાઈ ત્રિવેદીને બે પુત્રો છે. ધાર્મિક કાર્ય અર્થે નીકળેલા બંને ભૂદેવોના અકાળે અવસાનથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે. આ ઘટના બાદ કાંસા ચોકડી વિસ્તારના અત્યંત બિસ્માર અને ધૂળ-કપચીવાળા ખખડધજ રસ્તા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


