ગરવી તાકાત ઃ વિસનગર
તા.8-9-2026
વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની કમ્પ્યુટર સાયન્સ (બીસીએ અને એમસીએ ) ફેકલ્ટી દ્વારા કેમ્પસમાં શિક્ષક દિનની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ-શિષ્યની પરંપરાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક તેમજ મનોરંજક પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરી સમગ્ર માહોલને આનંદમય અને યાદગાર બનાવી દીધો હતો.
આ કાર્યક્રમમાં કમ્પ્યુટર સાયન્સ વિભાગના ૩૦થી વધુ ઉત્સાહી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનો પ્રત્યે આદર, સ્નેહ અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા વિશેષ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. સમગ્ર આયોજન દરમિયાન કેમ્પસમાં ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે અધ્યાપકો અને વિદ્યાર્થીઓને શિક્ષક દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાણી તેમજ રજિસ્ટ્રારે પણ શિક્ષકોના યોગદાનને બિરદાવી તમામ વિદ્યાર્થીઓને પ્રેરક અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ફેકલ્ટીના પ્રિન્સિપાલ તુલસીદાસ નકરાણીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા ગુરુ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સંબંધનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શિક્ષકો પાસેથી મળતું જ્ઞાન, માર્ગદર્શન અને જીવનમૂલ્યો જ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ નાગરિક બનાવે છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં હંમેશા સન્માર્ગે ચાલી સફળતા મેળવવા પ્રેરણા પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે BCA અને MCA વિભાગના તમામ અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.


