મહેસાણા રેલવે સ્ટેશન પાસેથી રૂ. ૬.૧૪ લાખના એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાન પોલીસનો કમાન્ડો અને અમદાવાદનો ટ્રાવેલ્સ સંચાલક ઝડપાયા
ગરવી તાકાત ઃ 7-9-2026
ગાંધીનગર-અમદાવાદ ANTFની સંયુક્ત ટીમે ઓરા કાર અને ડ્રગ્સ સહિત રૂ. ૧૧.૩૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, જોધપુરના મુખ્ય સપ્લાયર સામે ગુનો નોંધી શોધખોળ તેજ
ગુજરાતમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર નેટવર્ક અને આંતરરાજ્ય હેરાફેરી સામે ચાલી રહેલી કડક ઝુંબેશ વચ્ચે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ને મહેસાણા ખાતેથી એક અત્યંત ચોંકાવનારી અને મોટી સફળતા હાથ લાગી છે. ગાંધીનગર અને અમદાવાદ ઝોનની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમો મહેસાણા વિસ્તારમાં સંયુક્ત પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનનો એક શખ્સ એમડી ડ્રગ્સનો મોટો જથ્થો લઈને આવી રહ્યો છે અને અમદાવાદનો એક કાર ચાલક આ જથ્થો મેળવવા માટે મહેસાણા રેલવે સ્ટેશન પાસે પહોંચવાનો છે. આ ચોક્કસ માહિતી મળતાં જ પોલીસ કાફલાએ મહેસાણા રેલવે સ્ટેશન સામે આવેલી ચામુંડા મોબાઈલ શોપ નજીક ગુપ્ત રીતે ફિલ્ડિંગ ગોઠવી દીધી હતી. યોજના મુજબ શંકાસ્પદ કાર આવતાં જ ટીમે તેને ચારેય તરફથી કોર્ડન કરી લીધી હતી અને કારમાં સવાર બંને શખ્સોને રંગેહાથ ઝડપી પાડી ગેરકાયદે ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો.
પકડાયેલા આરોપીઓની જ્યારે અંગઝડતી લેવામાં આવી ત્યારે આ મામલે અત્યંત સનસનાટીપૂર્ણ ખુલાસો થયો હતો. પ્રથમ આરોપી ભીખારામ દિપારામ સિયોલ (બિશ્નોઈ), રહે. જોધપુર પાસેથી રાજસ્થાન પોલીસનું અસલી ઓળખકાર્ડ મળી આવ્યું હતું. સઘન પૂછપરછમાં સામે આવ્યું કે ભીખારામ પોતે જોધપુરના મંડોર ખાતે આવેલી કમાન્ડો ટ્રેનિંગ સ્કૂલમાં પોલીસ કોન્સ્ટેબલ એટલે કે કમાન્ડો તરીકે સત્તાવાર ફરજ બજાવે છે, જે કાયદાનો રક્ષક હોવા છતાં આ કાળા કારોબારમાં સક્રિય કેરિયર તરીકે સંડોવાયેલો હતો. તેની સાથે ઝડપાયેલો બીજો આરોપી સુરજસિંગ માંગુસીંગ પુરોહિત, મૂળ પાલી-રાજસ્થાન અને હાલ રહે. બાપુનગર-અમદાવાદ, ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલો છે અને તે પોતાની હ્યુન્ડાઈ ઓરા કાર લઈને મહેસાણા ખાતે ડ્રગ્સની ડિલિવરી લેવા પહોંચ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કરેલા શંકાસ્પદ પાવડરની એફએસએલ (FSL) મારફતે તાત્કાલિક સ્થળ ચકાસણી કરાવતાં તે પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ હતી. ANTFની ટીમે આરોપીઓ પાસેથી રૂ. ૬,૧૪,૫૮૦ની કિંમતનું ૨૦૪.૮૬ ગ્રામ એમડી ડ્રગ્સ, રૂ. પાંચ લાખની કિંમતની હ્યુન્ડાઈ ઓરા કાર, ત્રણ નંગ મોબાઈલ ફોન અને ડિજિટલ વજન કાંટો મળીને કુલ રૂ. ૧૧,૩૪,૫૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપી કમાન્ડો ભીખારામની આકરી પૂછપરછ દરમિયાન તેણે એવી કબૂલાત કરી હતી કે આ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તેણે જોધપુરના ભદાસિયા વિસ્તારમાં રહેતા પ્રકાશ ઢાકા (જાટ) નામના મુખ્ય સપ્લાયર પાસેથી રૂ. ૧.૩૦ લાખ રોકડા આપીને મેળવ્યો હતો. ત્યાર બાદ આ જથ્થો અમદાવાદ તરફ પહોંચાડવા માટે સુરજસિંગને કાર લઈને મહેસાણા બોલાવવામાં આવ્યો હતો. આ સમગ્ર રેકેટ અંગે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા ઝડપાયેલા કમાન્ડો ભીખારામ બિશ્નોઈ, સુરજસિંગ પુરોહિત અને નાસતા ફરતા મુખ્ય સપ્લાયર પ્રકાશ ઢાકા વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાખી વર્દીની આડમાં ચાલતા આ મોટા ષડયંત્રના મૂળ સુધી પહોંચવા તેમજ ફરાર પ્રકાશ ઢાકાને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ તેજ કરી દીધી છે.


