કાટમાળ નીચે દટાયેલા બે લોકોને સ્થાનિકોએ ત્વરિત રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા; બજારમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો
ગરવી તાકાત ઃ 7-9-2026
મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરના ભરચક ગણાતા કાપડ બજાર વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કાપડ બજારમાં આવેલી એક દુકાનમાં ચાલી રહેલા રિનોવેશનના કામકાજ દરમિયાન અચાનક જ જર્જરિત દીવાલ ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી. દીવાલ તૂટી પડતાં જ પળવારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને સમગ્ર માર્કેટમાં ભયનો માહોલ ફેલાતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટના સમયે સ્થળ પર કામ કરી રહેલા શ્રમિકો તેમજ રાહદારીઓ પૈકી પ્રાથમિક તબક્કે ચાર જેટલા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવાતાં આસપાસના દુકાનદારો અને સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
દીવાલ ધરાશાયી થવાનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના વેપારીઓ અને સ્થાનિક યુવાનો પોતાના કામધંધા છોડીને તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કોઈપણ સરકારી તંત્ર કે રાહત ટુકડીની રાહ જોયા વિના સ્થાનિક લોકોએ જાતે જ માનવતા દાખવીને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. લોકોએ પોતાના હાથે જ ભારે પથ્થરો, ઇંટો અને કાટમાળ હટાવવાનું શરૂ કરી દીધું હતું. ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા બંને વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી.
આ અકસ્માતમાં ૫૫ વર્ષીય બચુ ભગત અને ૩૨ વર્ષીય કાર્તિક માલ નામના બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક યુવકને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને સામાન્ય તથા શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ છે. લોહીલુહાણ હાલતમાં બહાર કઢાયેલા બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.
દુર્ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતાં જ કાપડ બજારમાં નગરજનો અને વેપારીઓના વિશાળ ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. જોકે સદનસીબે સ્થાનિકોની સમયસૂચકતા અને તાત્કાલિક બચાવ કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ બજાર વિસ્તારમાં જૂની અને જોખમી ઇમારતોના સમારકામ સમયે પૂરતી તકેદારી રાખવા અંગે વેપારી આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે.


