ગરવી તાકાત ઃ 7-9-2026
રાજસ્થાનથી સુરત જતો ₹5.51 લાખથી વધુનો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો ઝડપાયો: પાંચ શખસો ગિરફ્તાર, સાંચોરનો સપ્લાયર વોન્ટેડ
મહેસાણા જિલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ સામે સ્થાનિક ગુના શોધક શાખા (એલ.સી.બી.) દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ડ્રાઇવને સતત બીજા દિવસે પણ મોટી સફળતા સાંપડી છે. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયા અને તેમની સમગ્ર ટીમ જિલ્લામાં આવા માદક દ્રવ્યોના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા સઘન પેટ્રોલીંગ અને બાતમીદારોના નેટવર્કને સક્રિય રાખીને સતર્કતા દાખવી રહી હતી. આ કામગીરી દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ અને વિશ્વસનીય બાતમી પ્રાપ્ત થઈ હતી કે એક સફેદ રંગની સ્વિફ્ટ ગાડીમાં કેટલાક શખસો રાજસ્થાન તરફથી માદક પદાર્થનો મોટો જથ્થો મેળવીને સુરત તરફ લઈ જવાની ફિરાકમાં છે. આ શખસો મહેસાણા બાયપાસ રોડ પર નુગર સર્કલથી શિવાલા સર્કલ વચ્ચે આવેલા જય સેધણી માં હોટલ એન્ડ પાર્લર સામે સર્વિસ રોડ પર રોકાઈને આ ડ્રગ્સની ડિલિવરી આપવાના છે.
બાતમીની સચોટ વિગતો મળતાં જ એલ.સી.બી. પી.આઈ. એ.એમ. કામળીયા, પી.એસ.આઈ. બી.એ. પરમાર તથા પોલીસ સ્ટાફે તાત્કાલિક સરકારી પંચોને સાથે રાખીને નિયત સ્થળે વ્યુહાત્મક વોચ ગોઠવી દીધી હતી. બાતમી મુજબની સફેદ સ્વિફ્ટ કાર (રજિસ્ટ્રેશન નંબર HR.51.AZ.2180) સ્થળ પર પહોંચતા જ એલસીબીની ટીમે ચારેય તરફથી ઘેરાબંધી કરીને ગાડીને આંતરી લીધી હતી. ગાડીમાં સવાર શખસોને કાબૂમાં લઈ કારની તેમજ તેઓની અંગઝડતી લેતા પ્લાસ્ટિકની ઝીપલોક થેલીઓમાંથી શંકાસ્પદ કેફી પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ એફ.એસ.એલ. અધિકારીને બોલાવી આ પદાર્થનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવતા તે પ્રતિબંધિત મેફેડ્રોન એટલે કે એમ.ડી. ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ થયું હતું.
પોલીસે ઘટનાસ્થળેથી કુલ 183 ગ્રામ 850 મિલીગ્રામ વજન ધરાવતો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ₹5,51,550 આંકવામાં આવી છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી ₹2,01,500 ની રોકડ રકમ, ₹50,500 ની કિંમતના 6 નંગ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, ગુનામાં વપરાયેલી ₹2,00,000 ની કિંમતની સ્વિફ્ટ કાર તેમજ આર.સી. બુક અને ઓળખના પુરાવાઓ સહિત કુલ મળીને ₹10,03,550 નો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યો હતો.
આ દરોડા દરમિયાન પોલીસે ડ્રગ્સની હેરાફેરીના આ રેકેટમાં સંડોવાયેલા પાંચ આરોપીઓને સ્થળ પરથી જ રંગેહાથ દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં હરેશભાઈ રૂપસિંહભાઇ પ્રજાપતિ (રહે. ઉજપા, તા. વાવ, જિ. વાવ-થરાદ), ભરતભાઈ જીવરામભાઈ પારંગી (મૂળ રહે. રામપુરા, હાલ રહે. સુરત), લાખાભાઇ મનાંજીભાઇ રાજપુત (મૂળ રહે. જમડા, હાલ રહે. સુરત), કરણભાઇ રણછોડભાઇ સોલંકી (મૂળ રહે. ગડીસર, હાલ રહે. સુરત) અને કુલદીપભાઇ ઘેગાભાઇ રાજપુત (રહે. ઉજપા, તા. વાવ) નો સમાવેશ થાય છે.
ઝડપાયેલા તમામ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ હાથ ધરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ ડ્રગ્સનો મોટો જથ્થો તેઓ રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા ભજનભાઇ નામના શખસ પાસેથી મેળવીને સુરત ખાતે ખપાવવા માટે લઈ જઈ રહ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે મુખ્ય સપ્લાયર ભજનભાઇને વોન્ટેડ જાહેર કર્યો છે અને પકડાયેલા પાંચેય આરોપીઓ સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (એન.ડી.પી.એસ.) એક્ટ હેઠળ ગુનો નોંધી, રિમાન્ડ મેળવી આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની કાયદેસર તપાસ હાથ ધરી છે.


