ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભવ્ય આયોજન

September 2, 2026

વડનગર ખાતે ‘શ્રાવણ ઉત્સવ’ અંતર્ગત યોજાયેલી ભવ્ય ડમરુ યાત્રામાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહભાગી બન્યા

ગરવી તાકાત 2-9-2026

૧૦૮ કલાકારોના સામૂહિક ડમરુ નાદથી ઐતિહાસિક નગરી ગુંજી ઉઠી, નીલકંઠ મહાદેવથી હાટકેશ્વર સુધી નીકળેલી યાત્રામાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના શિવભક્તો ઉમટી પડ્યા

ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગરી વડનગરની પવિત્ર ધરા પર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યોજાઈ રહેલા ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત ભવ્ય અને દિવ્ય ડમરુ યાત્રાનું અદભુત આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ વિશેષ ડમરુ યાત્રામાં રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર વડનગર શહેર હર હર મહાદેવ અને બમ બમ ભોલેના ગગનભેદી જયઘોષ તેમજ ૧૦૮ કલાકારો દ્વારા કરવામાં આવેલા એકસાથે ડમરુના દિવ્ય નાદથી શિવમય વાતાવરણમાં તરબોળ બની ગયું હતું.

આજના પાવન દિવસે વહેલી સવારે નીલકંઠ મહાદેવ મંદિર પરિસર ખાતેથી પૂજન-અર્ચન બાદ આ યાત્રાનો મંગળ પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રા નિર્ધારિત રૂટ મુજબ નીલકંઠ મહાદેવથી પ્રસ્થાન થઈ સાકેત સોસાયટી, સરકારી લાયબ્રેરી, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નગરપાલિકા રોડ અને રેલ્વે સ્ટેશન રોડ સહિતના નગરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. આ સમગ્ર માર્ગ પર વડનગરના સ્થાનિક નગરજનો દ્વારા પુષ્પવર્ષા કરીને યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરભ્રમણ પૂર્ણ કરી આ ભવ્ય યાત્રાનું પવિત્ર શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવપૂર્ણ સમાપન થયું હતું.

આ ધાર્મિક મહોત્સવમાં જનભાગીદારીનું અનેરું અને અદભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. વડનગરના સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત સરહદી બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામડાઓમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો ખાસ ઉપસ્થિત રહીને આ પાવન યાત્રામાં જોડાયા હતા. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ પદયાત્રામાં ચાલીને શિવભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો અને ભક્તિમય માહોલમાં લીન થયા હતા. સરકારના આ પ્રશંસનીય આયોજનના પગલે વડનગરના પૌરાણિક વારસા અને ધાર્મિક પરંપરાને એક નવી વૈશ્વિક ઓળખ અને ઊંચાઈ સાંપડી છે.

યાત્રાના સમાપન વેળાએ હાટકેશ્વર મહાદેવ મંદિરે મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિથી મહાદેવની પૂજા-અર્ચના કરી રાજ્યની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ સાથે જ ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોને પ્રસાદ તેમજ વિશેષ શિવ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રસંગે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, વડનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ, વિવિધ પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં શિવભક્તો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0