ગરવી તાકાત ઃ 1-9-2026
વિસનગર પંથકમાં કડા ગામે સધી માતાના ત્રણ રસ્તા પાસે પોલીસે દરોડો પાડી રોકડ સાથે જુગારીઓને ઝડપ્યા, બીજી તરફ હસનપુર બસ સ્ટેન્ડ પરથી પલ્સર બાઈકની ઉઠાંતરી
વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે પંથકમાંથી જુગાર અને વાહન ચોરીની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. વિસનગર તાલુકા પોલીસે કડા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડી પાંચ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે બીજી ઘટનામાં હસનપુર ગામના બસ સ્ટેન્ડ નજીક મુકેલું મોટરસાયકલ અજાણ્યા તસ્કરો ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
પ્રથમ બનાવની વિગત મુજબ, વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે કડા ગામમાં સધી માતા ત્રણ રસ્તા પાસે આવેલા ભંગારીયાની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમી મળતાની સાથે જ તાલુકા પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચારેય તરફથી ઘેરાબંધી કરી અચાનક રેડ કરી હતી. પોલીસને જોતાં જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, જોકે પોલીસે સમયસૂચકતા વાપરી સ્થળ પરથી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા શખ્સોમાં જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચાવડા, જીગ્નેસિંહ નારાયણજી ચાવડા, રોહિતભાઈ ગગુભાઈ રાવળ, આર્યનસિંહ કલ્યાણસિંહ ચાવડા અને ઇલીયાસભાઇ નબીભાઇ મન્સુરીનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ કડા ગામના જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી જુગારનું સાહિત્ય તેમજ રોકડા ₹47,470 જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ, તાલુકાના હસનપુર ગામમાંથી એક બાઈક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. નટુજી પોપટજી ઠાકોર પોતાનું GJ.02.CK.3621 નંબરનું પલ્સર બાઈક લઈને હસનપુર બસ સ્ટેન્ડ પર આવ્યા હતા. ત્યાંથી તેઓ તેમના મિત્ર ઠાકોર લાલાજી રમેશજી સાથે કોઈ કામ અર્થે ખદલપુર જવા નીકળ્યા હોવાથી તેમણે પોતાનું બાઈક બસ સ્ટેશન પરિસરમાં સુરક્ષિત રીતે પાર્ક કર્યું હતું.
સાંજના સમયે જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે પાર્ક કરેલી જગ્યાએ બાઈક જોવા મળ્યું ન હતું. આસપાસના વિસ્તારમાં તેમજ પૂછપરછ કરીને ઘણી શોધખોળ કરવા છતાં બાઈકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે અજાણ્યો શખ્સ બાઈક ચોરી ગયો હોવાની ખાતરી થતાં નટુજી ઠાકોરે વિસનગર તાલુકા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી અજાણ્યા તસ્કરોની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


