નાગ પંચમીના પાવન પર્વે સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે વાગડોદ રોડ પર રામદેવપીર સેવા કેમ્પની લીધી મુલાકાત
ગરવી તાકાત ઃ 1-9-2026
રણુજા જતા પદયાત્રીઓની સુખાકારી જાણી મનોકામના પૂર્ણ થવા પાઠવી શુભકામના; દિવસ-રાત કાર્યરત સ્વયંસેવકોની સેવાભાવનાને બિરદાવી
નાગ પંચમીના પવિત્ર તહેવાર નિમિત્તે સિદ્ધપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે વાગડોદ રોડ પર કાર્યરત શ્રી રામદેવપીર પદયાત્રી સેવા કેમ્પની વિશેષ મુલાકાત લીધી હતી. રાજસ્થાન સ્થિત સુપ્રસિદ્ધ તીર્થધામ રણુજા તરફ પગપાળા જઈ રહેલા હજારો શ્રદ્ધાળુઓની સેવામાં ધમધમતા આ સેવા કેમ્પમાં પહોંચીને તેમણે આધ્યાત્મિક અને સેવાકીય માહોલ વચ્ચે યાત્રાળુઓ તેમજ સેવાભાવી કાર્યકરો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
કેમ્પની મુલાકાત દરમિયાન ધારાસભ્યશ્રીએ દૂર-સુદૂરના અંતરિયાળ વિસ્તારોમાંથી પગપાળા નીકળેલા પદયાત્રીઓ સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરીને તેમની સુખ-સુવિધા અને આરોગ્ય અંગે પૂછપરછ કરી હતી. તેમણે આકરી ગરમી અને લાંબી મુસાફરી વચ્ચે પણ અતૂટ શ્રદ્ધા સાથે આગળ વધી રહેલા તમામ માઈભક્તોની પદયાત્રા સુખરૂપ, નિર્વિઘ્ન અને મંગલમય રીતે પૂર્ણ થાય તે માટે ભાવપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સાથે ધારાસભ્યશ્રીએ કેમ્પ પરિસરમાં ફરીને પદયાત્રીઓ માટે ઉપલબ્ધ ચા-નાસ્તો, શુદ્ધ સાત્વિક ભોજન, પીવાનું પાણી, આરોગ્યલક્ષી સુવિધાઓ તેમજ આરામ કરવા માટેની વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. પદયાત્રીઓની સેવામાં દિવસ-રાત ખડેપગે રહીને તન, મન અને ધનથી સમર્પિત ભાવે કાર્ય કરી રહેલા સ્થાનિક સ્વયંસેવકો, યુવાનો અને સેવાભાવી અગ્રણીઓની ઉમદા કામગીરીની તેમણે મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બાબા રામદેવપીરના આશીર્વાદથી સૌ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય તેમજ સર્વત્ર સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય.


