સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટ જેવા દેશવ્યાપી આર્થિક ગુનાઓ સામે કડક વલણ

September 2, 2026

કમિશનની લાલચે સાયબર ઠગોને બેંક ખાતા ભાડે આપનારા ત્રણ આરોપીઓની જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટે ફગાવી, કરોડોના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા

ગરવી તાકાત ઃ 2-9-2026

સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા સાયબર ક્રાઈમ અને ડિજિટલ એરેસ્ટ જેવા ઓનલાઈન ફ્રોડના ગંભીર કેસોમાં પાટણ સેશન્સ કોર્ટે લાલ આંખ કરી છે. સાયબર ઠગોને કમિશનની લાલચે પોતાના અને અન્ય લોકોના બેંક ખાતાઓ વાપરવા આપવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ મુખ્ય આરોપીઓની જામીન અરજી કોર્ટે સદંતર નામંજૂર કરી દીધી છે. સેશન્સ જજ એચ.એસ. મુલીયાની કોર્ટે ગુનાની અતિ ગંભીરતા, દેશવ્યાપી ફેલાયેલા નેટવર્ક અને કરોડો રૂપિયાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના મજબૂત પુરાવાઓને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.

પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક મોટા આર્થિક છેતરપિંડીના ગુનામાં આરોપી વિશાલે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયા બાદ નિયમિત જામીન મેળવવા માટે અરજી કરી હતી. જોકે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે વિશાલે માત્ર અમુક કમિશનની લાલચમાં આવીને પોતાની સમગ્ર બેંક ખાતાની કિટ સાયબર ગઠિયાઓને સોંપી દીધી હતી. તેના આ ખાતામાં દેશભરમાંથી સાયબર ફ્રોડના કુલ રૂ. ૧,૭૪,૪૫,૦૭૪ જમા થયા હતા, જેમાંથી રૂ. ૧,૭૩,૮૫,૦૪૬.૭૩ જેટલી રકમ ગણતરીના સમયમાં ઉપાડી લેવાઈ હતી. આરોપીના આ બેંક એકાઉન્ટ વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાંથી કુલ ૩૦ જેટલી ફરિયાદો અને ઓનલાઈન અરજીઓ નોંધાયેલી છે. એટલું જ નહીં, આરોપી અને તેના જૂથ દ્વારા સંચાલિત મ્યુલ ખાતાઓમાં કુલ રૂ. ૧૬.૬૫ કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય ટ્રાન્ઝેક્શન આચરવામાં આવ્યા હોવાનું તપાસમાં ફલિત થયું હતું.

આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી યાકુબ ઉર્ફે મુન્નોએ પણ અદાલતમાં જામીન માટે દાદ માંગી હતી. યાકુબે પણ કમિશન મેળવવાની લાલચે પોતાના બેંક ખાતાની કિટ અને ચેકબુક સાયબર માફિયાઓને હવાલે કરી દીધી હતી. તેના બેંક ખાતામાં સાયબર ઠગાઈના ભોગ બનેલા લોકો પાસેથી પડાવેલા રૂ. ૧,૮૭,૪૧,૮૬૮ જમા થયા હતા, જેમાંથી રૂ. ૧,૮૭,૪૧,૬૬૮.૦૭ સગેવગે કરી ઉપાડી લેવાયા હતા. આ એકાઉન્ટ વિરુદ્ધ પણ દેશભરમાંથી ૧૨ જેટલી ગંભીર ફરિયાદો નોંધાયેલી છે. કોર્ટે સ્પષ્ટ નોંધ્યું હતું કે ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોવા છતાં આરોપી સામેના દસ્તાવેજી પુરાવા અકબંધ છે અને તેણે દેશવ્યાપી કૌભાંડમાં સક્રિય ભાગ ભજવ્યો હોવાથી તેને જામીન આપી શકાય નહીં.

જ્યારે ત્રીજા કિસ્સામાં ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડિજિટલ એરેસ્ટ અને મોબાઈલમાં એપીકે ફાઈલ લિંક મોકલી છેતરપિંડી આચરવાના ગુનામાં આરોપી મંથન વિનોદજી ઠાકોર દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી મંથન ઠાકોરે અન્ય સહ-આરોપી જગદીશજી પાસેથી ૩ નિર્દોષ વ્યક્તિઓના બેંક ખાતાઓ ભાડેથી મેળવ્યા હતા. ત્યારબાદ પોતે મોટું કમિશન મેળવી આ તમામ ખાતાઓ સાયબર ગઠિયાઓને ઓનલાઈન ફ્રોડની રકમ જમા કરાવવા માટે આપી દીધા હતા. મંથને મેળવી આપેલા માત્ર આ ૩ ખાતાઓમાં જ રૂ. ૯૧,૯૫,૭૭૭ના વ્યવહારો કરીને નાણાં બારોબાર ઉપાડી લેવાયા હતા. આ સમગ્ર નેટવર્ક દ્વારા અભણ કે સામાન્ય લોકો પાસેથી કોરા ચેકોમાં સહીઓ કરાવી તથા વેલકમ કિટો મેળવીને કુલ રૂ. ૭,૧૬,૧૪,૮૯૫ના ગેરકાયદેસર આર્થિક વ્યવહારો આચરવામાં આવ્યા હતા.

અદાલતમાં સુનાવણી દરમિયાન સરકાર પક્ષે સરકારી વકીલ એસ.એચ. ઠક્કરે જામીન અરજીઓનો સખત વિરોધ નોંધાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આજે દેશભરમાં અજાણ્યા નાગરિકોને ડિજિટલ એરેસ્ટના નામે કે ભળતી ઓનલાઈન લિંકો મોકલી ડરાવી-ધમકાવીને જીવનભરની મૂડી લૂંટી લેવામાં આવી રહી છે. આવા દેશવ્યાપી ગુનાઓમાં કમિશનની લાલચે પોતાના કે અન્યના બેંક ખાતાઓ ભાડે આપી સાયબર ગઠિયાઓને મદદ કરનારા મ્યુલ એકાઉન્ટ ધારકો સૌથી મુખ્ય અને સક્રિય કડી સમાન છે, જેમના વિના આવડો મોટો ગુનો આચરવો શક્ય નથી.

સેશન્સ જજ એચ.એસ. મુલીયાએ બંને પક્ષોની દલીલો, રેકોર્ડ પરના પુરાવા અને તપાસ અધિકારીનું સોગંદનામું ઝીણવટપૂર્વક ધ્યાને લીધું હતું. અદાલતે પોતાના મહત્વપૂર્ણ ચુકાદામાં નોંધ્યું હતું કે તમામ આરોપીઓ સામે કરોડો રૂપિયાના ગેરકાયદે નાણાકીય ટ્રાન્ઝેક્શન સાબિત કરતા પુરાવા મોજૂદ છે. સાયબર ફ્રોડ જેવા આર્થિક અને સામાજિક રીતે અત્યંત ગંભીર ગુનાઓમાં આરોપીઓની પ્રત્યક્ષ સક્રિય ભૂમિકા સ્પષ્ટ જણાતી હોય ત્યારે અદાલત પોતાની વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરીને આવા તત્વોને જામીન પર મુક્ત કરી શકે નહીં. આ કડક અવલોકન સાથે કોર્ટે ત્રણેય સાયબર આરોપીઓની જામીન અરજીઓ એકઝટકે ફગાવી દીધી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0