દેશભરમાં ₹14.24 કરોડના સાયબર ફ્રોડ માટે મ્યુલ એકાઉન્ટ પૂરા પાડતા આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ: 9 સાગરીતો ઝડપાયા
ગરવી તાકાત ઃ 1-9-2026
કેરળ, તેલંગાણા અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં 17 ગુના નોંધાયા; 3 થી 4 ટકા કમિશન આપી ખેડૂતો-સ્થાનિકોના ખાતા વાપરતા મહેસાણા-સાબરકાંઠાના ભેજાબાજો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે કરોડો રૂપિયાના ઓનલાઈન આર્થિક ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતા ગેરકાયદે મ્યુલ બેન્ક એકાઉન્ટના એક મોટા આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ કરીને સનસનાટી મચાવી દીધી છે. દેશભરના નિર્દોષ નાગરિકો સાથે ઓનલાઈન છેતરપિંડી આચરીને તે રકમ સગેવગે કરવા માટે સાબરકાંઠા અને મહેસાણા પંથકના યુવકોના બેન્ક ખાતા ભાડે મેળવી ચલાવાતા આ કૌભાંડમાં પોલીસે કુલ 10 આરોપીઓની સત્તાવાર ઓળખ કરી છે. જે પૈકી મુખ્ય સૂત્રધારો સહિત 9 આરોપીઓને દબોચી લેવામાં પોલીસને મોટી સફળતા સાંપડી છે, જ્યારે એક ફરાર આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરવામાં આવી છે.
સાયબર ક્રાઈમ પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન હિંમતનગર તેમજ ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સાયબર ફ્રોડના કાળા નાણાંની હેરફેર માટે ખાસ ઓપરેટ કરવામાં આવતા કુલ 12 જેટલા શંકાસ્પદ મ્યુલ બેન્ક એકાઉન્ટ મળી આવ્યા હતા. આ તમામ બેન્ક ખાતાઓ વિરુદ્ધ કેન્દ્ર સરકારના નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર કેરળ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોમાંથી ગંભીર પ્રકારની 17 જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર સિન્ડિકેટ સાથે સંકળાયેલા દેશવ્યાપી સાયબર ફ્રોડમાં અત્યાર સુધીમાં અધધ ₹14,24,59,668 ની માતબર રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું ખુલ્યું છે, જેમાંથી પકડાયેલા મ્યુલ ખાતાઓમાં ટૂંકા ગાળામાં ₹20,31,466 ના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવામાં આવ્યા હતા.
આ આંતરરાજ્ય ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત અને ચોંકાવનારી હતી. સિન્ડિકેટના મુખ્ય સાગરીતો અન્ય રાજ્યોના લોકોને ઓનલાઈન ટાસ્ક, રોકાણ કે અન્ય લાલચો આપી છેતરપિંડીનો ભોગ બનાવતા હતા અને આ ફ્રોડની રકમ સીધી સાબરકાંઠા પંથકના મ્યુલ ખાતાધારકોના એકાઉન્ટમાં જમા કરાવતા હતા. ખાતાધારકોને આ રકમ બદલ 3 થી 4 ટકા જેટલું આકર્ષક કમિશન ચૂકવવામાં આવતું હતું અને બાકીના નાણાં તાત્કાલિક એટીએમ ઉપાડ કે ચેક મારફતે રોકડા ઉપાડીને અન્ય સુરક્ષિત ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતા.
સાયબર પોલીસે આ મામલે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુલતાનપુર ગામના મુખ્ય સૂત્રધાર મહેશજી વિષ્ણુજી ઠાકોર, રસીકજી વિષ્ણુજી ઠાકોર, મહેશજી જહાજી ઠાકોર અને જીગરજી વિષ્ણુજી ઠાકોર તેમજ વડબાર ગામના નરેશજી પ્રવિણજી ઠાકોર અને આનંદજી રાયમલજી ઠાકોર સહિત સાબરકાંઠાના ખેડાવાડાના કાર્તિકજી દશરથજી પરમાર, ફીંચોડના સંજયભાઈ નટવરભાઈ પટેલ અને બાદરપુરાના પ્રવિણભાઈ કાંતીભાઈ ઠાકરડાની ધરપકડ કરી છે. જ્યારે ઈડરના ખાસકી ગામના અશોકભાઈ સોમસિંહ મકવાણાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, અન્ય જિલ્લાઓમાં ફેલાયેલું નેટવર્ક અને ફ્રોડની બાકીની રકમ રિકવર કરવા પોલીસે રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.


