શહેરમાં ચાલતા તમામ વિકાસ કામોના સ્થળે વિગતો દર્શાવતું બોર્ડ લગાવવું ફરજિયાત, ગુણવત્તા ચકાસવા ક્યુઆર કોડ પણ મુકાશે
ગરવી તાકાત ઃ 1-9-2026
સબટાઈટલ: ૧૫ દિવસમાં બોર્ડ લગાવવા મેયરનો આદેશ, કોન્ટ્રાક્ટરની ગેરંટી અને મેન્ટેનન્સ સમયગાળો દર્શાવવા માગ: કમિશનરની રજા મુદ્દે મેયરની નારાજગી, ચર્ચા વિના સભા આટોપાય તો ભથ્થું અટકાવવા વિપક્ષની રજૂઆત
મહેસાણા શહેરમાં હાલમાં ચાલી રહેલા વિવિધ જાહેર વિકાસ કામોમાં સંપૂર્ણ પારદર્શિતા, ગુણવત્તા, નિયત સમયમર્યાદા અને જવાબદારી સુનિશ્ચિત કરવાના હેતુથી પાલિકા તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટાઉનહોલ ખાતે સોમવારે યોજાયેલી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મેયર સોનલબેન ઓઝા દ્વારા રજૂ કરવામાં આવેલી આ વિશેષ દરખાસ્તને શાસક પક્ષ ભાજપ તેમજ વિરોધ પક્ષ કોંગ્રેસ એમ બંને પક્ષોના કોર્પોરેટરોએ એકસૂરે આવકારી હતી. સભામાં સભ્યો દ્વારા બોર્ડમાં વધુ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ વિગતોનો સમાવેશ કરવા માટે રચનાત્મક સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
શહેરમાં હાલ આઇકોનિક રોડ, સ્પેસ મેકિંગ, તળાવ ડેવલપમેન્ટ તેમજ એસટીપી પ્લાન્ટ સહિત અંદાજે 40 જેટલા નાના-મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં મૂળ એજન્સી વર્કઓર્ડર મેળવ્યા બાદ પેટા કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી દેતી હોય છે, જેના કારણે વાસ્તવમાં કઈ એજન્સી કે કોન્ટ્રાક્ટર દ્વારા સ્થળ પર કામ થઈ રહ્યું છે તેની સામાન્ય નાગરિકોને કોઈ માહિતી મળતી નથી. આ ઉપરાંત વિકાસ કામ દરમિયાન રસ્તા બંધ થવા, પીવાના પાણીની લાઈન તૂટવી કે ડ્રેનેજ ભરાઈ જવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય ત્યારે સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી કે ઇજનેરનો સંપર્ક નંબર ન હોવાથી સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડતી હોવાથી આ કડક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે.
આ નિર્ણય અંતર્ગત દરેક સાઇટ પર લગાવવામાં આવનારા બોર્ડ પર વર્કઓર્ડર નંબર, ટેન્ડર નંબર, મંજૂર થયેલી પ્રોજેક્ટ કિંમત, મુખ્ય કોન્ટ્રાક્ટર અને પેટા એજન્સીનું નામ, કામ શરૂ થયાની તારીખ, કામ પૂરું કરવાની નિર્ધારિત તારીખ, સંબંધિત પાલિકા વિભાગ, જવાબદાર અધિકારી તેમજ સાઇટ એન્જિનિયરની વિગતો દર્શાવવી ફરજિયાત રહેશે. આ સાથે જ નાગરિકો કામગીરીની ગુણવત્તા અંગે સીધી ફરિયાદ કરી શકે તે માટે બોર્ડ પર ખાસ કમ્પ્લેઇન્ટ ક્યુઆર કોડ પણ ઉપલબ્ધ કરાવાશે. મેયર સોનલબેન ઓઝાએ ખાતરી આપી હતી કે આગામી 15 દિવસમાં જ શહેરના તમામ ચાલુ પ્રોજેક્ટ્સના સ્થળે આ પ્રકારના બોર્ડ લગાવી દેવામાં આવશે.
સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર અમિત પટેલે આ પહેલને આવકારતાં જણાવ્યું હતું કે આ વ્યવસ્થા વહીવટમાં પારદર્શિતા લાવવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે સૂચવ્યું હતું કે મેન્ટેનન્સ એજન્સીએ ટેન્ડરની શરતો અનુસાર કેટલા સમય સુધી કામગીરી કરવાની રહેશે તેની માહિતી પણ બોર્ડ પર દર્શાવવી જોઈએ અને કામની ગુણવત્તા બાબતે જે-તે વિસ્તારની સોસાયટીઓના સ્થાનિક અભિપ્રાયો લેવા જોઈએ. આ ઉપરાંત કોર્પોરેટર રાકેશ પટેલે પણ કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરની જાળવણી અને ગેરંટીની જવાબદારીનો ચોક્કસ સમયગાળો બોર્ડ પર અંકિત કરવા અનુરોધ કર્યો હતો.
બીજી તરફ સામાન્ય સભા દરમિયાન મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરીને લઈને મેયરની નારાજગીએ ભારે રાજકીય ચર્ચા જગાવી છે. સભામાં મંચ પર બેઠક દરમિયાન મેયરે સેક્રેટરીને કમિશનર અંગે પૂછતાં તેઓ રજા પર હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે મેયરે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પોતાના પિતાશ્રીનું અવસાન થયું હોવા છતાં તેઓ માત્ર બે દિવસમાં સભામાં હાજર રહ્યા હતા, જેથી આ પ્રકારની ગેરહાજરી અયોગ્ય છે અને કમિશનરને આ બાબતે સત્તાવાર જાણ કરવી જોઈએ. માહિતી મુજબ કમિશનર સોમવારથી 3 સપ્ટેમ્બર સુધી ચાર દિવસની રજા પર ઉતરી ગયા છે, જેના કારણે બંને ઉચ્ચ હોદ્દેદારો વચ્ચે સંકલનનો અભાવ હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.
આ ઉપરાંત સામાન્ય સભામાં કોર્પોરેટરોના માસિક વેતન-ભથ્થાની દરખાસ્ત સામે વિરોધ પક્ષે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ કોર્પોરેટર કમલેશ સુતરિયા સહિતના સભ્યોએ મેયરને લેખિત રજૂઆત કરી હતી કે અગાઉ જુલાઈ માસની સભા કોઈ પણ ચર્ચા વિના એકાદ મિનિટમાં જ આટોપી લેવાઈ હતી, તેથી જો ભવિષ્યમાં પણ એજન્ડાના પ્રશ્નો પર યોગ્ય ચર્ચા વિના સભા પૂર્ણ કરવામાં આવે તો તે મહિનાનું રૂ. 10 હજારનું વેતન-ભથ્થું કોઈ પણ સભ્યને ન ચૂકવવું જોઈએ. જોકે, સત્તાપક્ષ દ્વારા આ રજૂઆત ફગાવી દેવાતાં કોંગ્રેસના અમિત પટેલે સ્વેચ્છાએ પોતાનું ભથ્થું ન સ્વીકારવાની જાહેરાત કરી હતી.


