એજન્સી ANI એ જણાવ્યું કે, 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ માન્ય રહેશે
એક વખતમાં એક વ્યક્તિ 20 હજાર રૂપિયા ના મૂલ્ય સુધીની 2000 ની નોટ આરામથી બદલી શકશે
નવી દિલ્હી તા. 20- આરબીઆઇએ 2000 રૂપિયાની નોટ પરત લેવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈ એ જણાવ્યું છે કે 2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનથી બહાર કરવામાં આવશે. સાથે જ રિઝર્વ બેન્કે તમામ અન્ય બેંકોને આદેશ કર્યો છે કે તે હવેથી 2000 રૂપિયાની નોટ કોઈને આપે નહીં. હાલમાં બજારમાં ઉપલબ્ધ રૂ. 2000ની નોટ 30 સપ્ટેમ્બર, 2023 સુધી બદલી શકાશે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે.

સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી ANI એ જણાવ્યું કે, 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ માન્ય રહેશે. આરબીઆઈને આશા છે કે લોકોને બેંકોમાંથી નોટો એક્સચેન્જ કરવા માટે 4 મહિના પૂરતો સમય છે. હાલમાં જે 2000ની નોટો બજારમાં છે તે 30 સપ્ટેમ્બરની નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં બેંકોને પરત કરવામાં આવશે. આ આરબીઆઈની નિયમિત કવાયત છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી.
ભારતીય રિઝર્વ બેન્કે એક સર્ક્યુલર જાહેર કર્યું છે અને તેમાં જણાવ્યું છે કે, 2000 રૂપિયાની નોટ ને બદલવા માટે કોઈ જ રોકટોક નથી. 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં લોકો કોઈપણ બેંકની કોઈપણ શાખામાં જઈને નોટ બદલી શકે છે. જોકે આ અંગે વધુ નિયમ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. એક વખતમાં એક વ્યક્તિ 20 હજાર રૂપિયા ના મૂલ્ય સુધીની 2000 ની નોટ આરામથી બદલી શકે છે.
કોઈપણ વ્યક્તિ પાસે 2,000 ની નોટ હોય તો તે પોતાની બેંકની નજીકની શાખામાં જઈને તેને જમા કરાવી શકે છે. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં લોકો 2000 રૂપિયાની નોટને બજારમાં પણ વાપરી શકે છે. કોઈ દુકાનદાર તેને લેવાથી ઈન્કાર નહીં કરી શકે.
તેવામાં પ્રશ્ન એ પણ થાય કે જો કોઈ બેંકની બ્રાન્ચમાં 2000 રૂપિયાની નોટ લેવાથી કે બદલી દેવાથી ઇનકાર કરવામાં આવે તો લોકોએ શું કરવું ? તમારા મનમાં પણ આ પ્રશ્ન થતો હોય તો તેનો જવાબ આ રહ્યો.
આરબીઆઈ એ જણાવ્યું છે કે કોઈપણ બેંકમાં 2,000 ની નોટને બદલવાથી ઇનકાર કરી નહીં શકાય. જો કોઈ બેંક નોટ લેવાથી ઇન્કાર કરે તો તે અંગે ગ્રાહક ફરિયાદ નોંધાવી શકે છે. ગ્રાહકે પોતાની બેન્કનો સંપર્ક કરી આ અંગે ફરિયાદ નોંધાવવાની રહેશે. જો બેંકની ફરિયાદ નોંધાવ્યાના 30 દિવસની અંદર કોઈ જવાબ ન મળે અથવા તો જે જવાબ મળે તેનાથી ગ્રાહકને સંતોષ ન હોય તો તે આરબીઆઈના પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.


