મહેસાણા ગરવી તાકાત : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વિસનગરની અંકિતા પટેલનો તેના પરિવાર સાથે ડીએનએ મેચ થતાં રાત્રે પાર્થિવદેહ વિસનગર લવાયો ફોટા ઉપર પુષ્પાંજલી કરતાં પતિ વસંતભાઇની આંખો જાણે અંકિતાને શોધી રહી છેલ્લે વોટ્સએપ ઉપર કહ્યું હું નીકળી ગઈ છું…તેમ કહ્યું હતું. સાથે રહેવાના શમણાં આંખોમાં આંજીને આવતી અર્ધાંગિનીને લેવા એરપોર્ટ જવા નીકળેલા વસંતભાઇ રસ્તામાં જ હતા.

ત્યારે આ ઘટનાની જાણ થતાં ભાંગી પડ્યા હતા અને બે દિવસ પહેલાં લંડનથી વતન આવી ગયા પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે અંકિતાની અંતિમવિધિ કરાઇ. ગંજી વિસ્તારમાં રહેતી અંકિતા પટેલનાં લગ્ન છ મહિના અગાઉ ગત 14 ડિસેમ્બર 2024ના રોજ વસંત પટેલ સાથે થયા હતા. વસંતભાઈ 14 દિવસ પત્ની અંકિતા સાથે રહી લંડન પરત નીકળી ગયા હતા. અંકિતાના વિઝા તૈયાર થઈ જતાં તેની ખુશીનો પાર ન હતો અને પતિ સાથે સેટ થવા 12 જૂને લંડન જવા નીકળી હતી.

ત્યાં આ ઘટના બની હતી. અંકિતા પટેલનો ડીએનએ બુધવારના રોજ મેચ થતાં તેણીનો પાર્થિવદેહ અમદાવાદ સિવિલથી એમ્બ્યુલન્સ મારફતે બુધવારે રાત્રે વિસનગર લવાયો હતો. તેણીના નિવાસસ્થાને અંતિમક્રિયા પૂર્વેની વિધિ કરાયા બાદ સ્મશાન યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ વિધિમાં પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, સમાજના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ હાજર રહ્યા હતા.


