ગરવી તાકાત મહેસાણા : દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ગઇકાલે ધરપકડ બાદ આજે મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અર્બુદા સેનાના સ્થાપક અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મહેસાણા કોર્ટે મંજૂર કર્યા છે. પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. નાણાંકીય વ્યવહાર તપાસવા રિમાન્ડ જરૂર હોવાની દલીલ કરાઈ હતી. તમને જણાવી દઈએ કે મહેસાણા કોર્ટના આગળના ગેટ પર અર્બુદા સેનાના કાર્યકરોની ભીડ
જામતા સવારે 12 કલાકે વિપુલ ચૌધરીને કોર્ટના પાછળના ગેટથી લેવામાં આવ્યા હતા.
જેમાં સાંજે 4 વાગ્યે કોર્ટે વિપુલ ચૌધરીના 23 તારીખ સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજે વહેલી સવારથી જ મહેસાણા કોર્ટ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમ છતા અર્બુદા સેનાના કાર્યકરોની ભારે ભીડ જામી હતી.
જેથી વિપુલ ચૌધરીને પાછળના દરવાજેથી કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં લાબી દલીલો બાદ 4 વાગ્યે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે, કોર્ટની બહાર નીકળતી વેળાએ વિપુલ ચૌધરી હસતા નજરે પડ્યા હતા.