ગરવી તાકાત ઃ 6-10-2026
વિજાપુર-ગાંધીનગર હાઇવે પર આવેલા રણાસણ ગામ નજીક આજે એક ચાલતી સ્વિફ્ટ કારમાં અચાનક આગ ફાટી નીકળતાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, કારચાલકની સમયસૂચકતા અને વિજાપુર ફાયર ફાઇટર ટીમની ત્વરિત કામગીરીને પગલે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટનાની વિગતો મુજબ, મહુડી ગામના એક રહીશ પોતાની સ્વિફ્ટ કાર લઈને રણાસણથી વિજાપુર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન વિજાપુર-ગાંધીનગર હાઇવે પર રણાસણ ગામ નજીક પહોંચતાં જ કાર અચાનક રસ્તા પર બંધ પડી ગઈ હતી. કાર બંધ થઈ જતાં ચાલકે નીચે ઊતરીને તપાસ શરૂ કરી હતી, તેવામાં કારમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. કારચાલક કઈ સમજે તે પહેલાં જ આગ ઝડપથી આખી કારમાં ફેલાઈ ગઈ હતી.
પરિસ્થિતિ પારખીને કારચાલકે સમય ગુમાવ્યા વિના તાત્કાલિક વિજાપુર ફાયર સ્ટેશનને જાણ કરી હતી. કૉલ મળતાં જ ફાયર ફાઇટર ટીમના રાજનભાઈ પટેલ અને અતુલભાઈ સહિતના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
ફાયર ટીમ સ્થળ પર પહોંચી આગ બુઝાવે તે પહેલાં સ્વિફ્ટ કાર સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. કારમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. ચાલક સમયસર કારમાંથી બહાર નીકળી જતાં સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ થઈ નહોતી, જેના કારણે ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


