મહેસાણાના રાધનપુર રોડ પર ધંધાની તકરારમાં કુટુંબીઓનો ખૂની હુમલો: પિતા-પુત્રને લાકડીના ફટકા મારી હોસ્પિટલ ભેગા કર્યા, ૩ સામે ગુનો

October 6, 2026

ગરવી તાકાત ઃ 5-10-2026

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલી સહારા ટાઉનશીપ પાછળ રાજીવ બ્રિગેડ નગરમાં રહેતા શ્રમજીવી સરદાર પરિવાર પર તેમના જ કૌટુંબિક સભ્યોએ જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. રોજગાર અને ધંધાની જૂની અદાવતમાં મામલો એટલી હદે બિચક્યો હતો કે પિતા અને પુત્રને લાકડીઓ વડે ઢોરમાર મારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં બંનેને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં પોલીસે પહોંચી ગુનો નોંધી કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સમગ્ર બનાવની વિગત એવી છે કે રાજીવ બ્રિગેડ નગરમાં રહેતા નીહાલસિંહ સરદાર તાળા-ચાવી બનાવવાનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિર સામે ચાવી બનાવવાનો ધંધો કરવા બાબતે નીહાલસિંહને તેમના મોટા બાપાના દીકરા લેજમસિંહ શેરસિંહ સરદાર સાથે છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલી રહી હતી. લેજમસિંહે ત્યાં ધંધો કરવાની મનાઈ ફરમાવી ઝઘડો કર્યો હતો, જેથી કંટાળીને નીહાલસિંહ અને તેમના પુત્ર બલદેવસિંહે મહેસાણા તાલુકા પોલીસ મથકે લેજમસિંહ સામે લેખિત અરજી આપી કાયદેસરની રાવ કરી હતી.

પોલીસ સ્ટેશનમાં અરજી આપીને પિતા-પુત્ર ઘરે પરત ફર્યા તે જ દિવસે સાંજે પાંચેક વાગ્યાના સુમારે લેજમસિંહ સરદાર રોષે ભરાઈને પોતાના પુત્રો સાથે નીહાલસિંહના ઘરે ધસી ગયા હતા. અમારી સામે પોલીસમાં અરજી કેમ કરી તેમ કહીને તેમણે બેફામ ગાળાગાળી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને લેજમસિંહનો મોટો પુત્ર જોગીન્દરસિંહ હાથમાં લાકડાનો ધોકો લઈને ધસી આવ્યો હતો. તેણે આવેશમાં આવી જઈ નીહાલસિંહના પુત્ર બલદેવસિંહ પર ધોકા વડે જીવલેણ પ્રહાર કરી ડાબા હાથ પર ગંભીર ઈજા પહોંચાડી હતી.

આ સમયે લેજમસિંહનો બીજો પુત્ર બોબીસિંહ પણ ત્યાં પહોંચી ગયો હતો અને તેણે પણ ગંદી ગાળો બોલી નીહાલસિંહના ગાલ પર સપાટા ચોડી દીધા હતા. એટલું જ નહીં, તેણે પોતાના ભાઈ જોગીન્દરના હાથમાંથી ધોકો આંચકી લઈ નીહાલસિંહના ડાબા હાથ પર જોરદાર ફટકો મારી દીધો હતો. ઝઘડાનો અવાજ સાંભળી નીહાલસિંહના પત્ની ફોનકૌર પોતાના પતિ અને પુત્રને બચાવવા વચ્ચે પડતાં હુમલાખોરોએ તેમને પણ શરીરે મૂંઢમાર માર્યો હતો.

ચીસાચીસ થતાં પરિવારે તાત્કાલિક ૧૧૨ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી મદદ માંગી હતી. પોલીસ વાનની સાયરન સંભળાતા જ લેજમસિંહ તથા તેના બંને પુત્રો જોગીન્દરસિંહ અને બોબીસિંહ પરિવારને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકીઓ આપતા સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઘટના બાદ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લોહીલુહાણ હાલતમાં પિતા નીહાલસિંહ અને પુત્ર બલદેવસિંહને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને ઇન્ડોર દર્દી તરીકે દાખલ કરી સારવાર શરૂ કરી હતી.

હોસ્પિટલ ચોકી મારફતે મળેલી વર્ધીના આધારે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે સારવાર હેઠળ રહેલા ઇજાગ્રસ્ત બલદેવસિંહનું નિવેદન નોંધી હુમલો કરનાર લેજમસિંહ શેરસિંહ સરદાર, જોગીન્દરસિંહ લેજમસિંહ સરદાર અને બોબીસિંહ લેજમસિંહ સરદાર સામે મારામારી તેમજ ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0