લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામમાં નવીનીકરણ કામગીરી વિવાદના વમળમાં: ખંડિત પથ્થરોના ઉપયોગ બાદ તંત્રની દોડધામ

October 6, 2026

ગરવી તાકાત ઃ 6-10-2026

બહુચરાજી મંદિર નવનિર્માણમાં ખંડિત પથ્થરો વાપરવાની ગંભીર બેદરકારી સામે આવતાં વિરોધનો વંટોળ: વિવાદ છુપાવવા ગ્રીન નેટનો પડદો લગાવાયો હોવાની નગરજનોમાં ઉગ્ર ચર્ચા

સ્તંભોમાં તૂટેલા પથ્થરો જોડીને થીગડાં મારવામાં આવતા ભક્તોમાં ભારે રોષ: યાત્રાધામ વિકાસ બોર્ડે કોન્ટ્રાક્ટરને ખખડાવ્યો, બીજી તરફ ધૂળનું બહાનું આગળ ધરી આખું પરિસર લીલી જાળીથી ઢાંકી દેવાયું

સમગ્ર રાજ્ય અને દેશભરમાં કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ કેન્દ્ર ગણાતા પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે ચાલી રહેલા મંદિરના નવીનીકરણ અને નવનિર્માણ કાર્યમાં ભયંકર લોલંલોલ અને ગુણવત્તા વગરની કામગીરી સામે આવતાં ભારે હોબાળો મચી ગયો છે. લાખો-કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા નવા મંદિરના નિર્માણમાં સ્તંભો તથા અન્ય મહત્વના ભાગોમાં કલાત્મક કોતરણીવાળા સાજા પથ્થરોને બદલે સ્પષ્ટપણે ખંડિત થયેલા પથ્થરો લગાવી દેવાયા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આટલું ઓછું હોય તેમ, તૂટેલા અને ખંડિત પથ્થરોને પહેલાં બાંધકામમાં ગોઠવી દીધા બાદ તેના પર ઉપરછલ્લું સમારકામ કરીને ફિનિશિંગ આપી વિવાદ દબાવી દેવાનો નિર્લજ્જ પ્રયાસ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયો હતો. ધાર્મિક શાસ્ત્રો અને પરંપરા મુજબ કોઈપણ દેવસ્થાનના નિર્માણમાં ખંડિત પથ્થરોનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે, ત્યારે ખુલ્લેઆમ કરવામાં આવી રહેલી આવી વેઠ અને ભક્તોની અતૂટ આસ્થા સાથે થઈ રહેલા સીધા ચેડાંને પગલે સ્થાનિક રહીશો તેમજ દૂર-દૂરથી આવતા માઇભક્તોમાં પ્રચંડ આક્રોશ વ્યાપી ગયો હતો. આ ગંભીર બાબતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

આ સમગ્ર વિવાદ સપાટી પર આવતાં જ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ (પીએમસી) તેમજ ઉચ્ચ તકનીકી ઇજનેરોની સંયુક્ત ટીમે તાકીદે બહુચરાજી મંદિર પરિસર ખાતે દોડી આવીને સ્થળ તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને નિર્માણ કાર્યની બારીકાઈથી ચકાસણી કરી હતી અને સંબંધિત કોન્ટ્રાક્ટર તેમજ નિર્માણ એજન્સીની કામગીરીની નબળી ગુણવત્તા બાબતે ભારે ઉધડો લઈ આકરી ફટકાર લગાવી હતી. ભવિષ્યમાં આવી કોઈપણ ગંભીર બેદરકારી સહન કરવામાં નહીં આવે તેવી સ્પષ્ટ અને કડક સૂચનાઓ પણ એજન્સીને આપવામાં આવી હતી. જોકે, ખંડિત પથ્થરોના ઉપયોગથી રોષે ભરાયેલા લોકો આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે દાખલારૂપ અને સખત કાનૂની પગલાં ભરવાની ઉગ્ર માંગણી કરી રહ્યા છે.

આ ભારે વિવાદ અને લોકરોષની વચ્ચે તંત્ર દ્વારા અચાનક મંદિર પરિસરની ચારેતરફ લીલા રંગની જાળી એટલે કે ગ્રીન નેટ લગાવી દેવામાં આવતાં સમગ્ર પંથકમાં નવી ચર્ચાએ જોર પકડ્યું છે. મંદિરના વહીવટદાર અશોકભાઈ ઠક્કરે આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પવિત્ર આસો નવરાત્રી અને દિવાળીના મહાપર્વો આવી રહ્યા છે, જેમાં લાખો ભક્તો જગતજનની માં બહુચરના દર્શનાર્થે ઉમટી પડશે. હાલમાં પરિસરમાં પાંચસો કિલોગ્રામથી લઈને પાંચ હજાર કિલોગ્રામ સુધીના મહાકાય પથ્થરોને ક્રેન દ્વારા ખસેડવામાં આવી રહ્યા છે અને પથ્થરોનું કોતરણીકામ પણ ચાલી રહ્યું છે. પથ્થરોના કટિંગ વખતે ઉડતી અતિશય ધૂળ અને રજકણોથી દર્શનાર્થીઓના શ્વાસ અને આંખો સહિતના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન પડે તે હેતુથી યાત્રાધામ વિકાસ બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરની સૂચના અનુસાર સુરક્ષાના ભાગરૂપે ગ્રીન નેટ બાંધવામાં આવી છે અને સાથે જ પરિસરમાં વિવિધ સ્થળોએ સુરક્ષાના સાઇન બોર્ડ પણ મુકાયા છે.

જોકે, તંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલી આ દલીલ સ્થાનિક લોકો અને ભક્તોના ગળે સહેલાઈથી ઉતરી રહી નથી. લોકોમાં એવી ચર્ચા ઊઠી રહી છે કે મંદિર પરિસરમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી તોતિંગ ક્રેનો સાથે પથ્થર કટિંગ અને બાંધકામની કામગીરી સતત ધમધમી રહી હતી, ત્યારે આટલા મહિનાઓ સુધી તંત્રને નિર્દોષ ભક્તોના સ્વાસ્થ્ય કે તેમની આંખોમાં ઊડતી ધૂળની સહેજ પણ ચિંતા થઈ નહોતી. પરંતુ જેવી ખંડિત પથ્થરો વાપરવાની ભ્રષ્ટાચાર સમાન પોલ ખૂલી ગઈ અને તેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, તેની ગણતરીની કલાકોમાં જ અચાનક લીલી જાળીનો આખો પડદો ઊભો કરી દેવાયો છે. સ્થાનિક નાગરિકો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે આ ગ્રીન નેટ ભક્તોના સ્વાસ્થ્યની રક્ષા માટે ઓછી અને તંત્ર તથા કોન્ટ્રાક્ટરની લોલંલોલ કામગીરીને ભક્તોની નજરથી છુપાવવા માટે વધુ લગાવવામાં આવી છે, જેને લઈને હાલ બહુચરાજી પંથકમાં વહીવટી તંત્રની કામગીરી સામે ભારે સવાલો ઊઠી રહ્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0