ગરવી તાકાત ઃ 29-8-2026
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પવિત્ર શ્રાવણ માસના ઉપક્રમે ઐતિહાસિક નગરી વડનગર ખાતે ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત એક અતિ ભવ્ય અને દિવ્ય સમૂહ ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવભક્તિના આ મહોત્સવમાં ૧૦૮ જેટલા કુશળ કલાકારોએ એકસાથે ડમરુ વાદન પ્રસ્તુત કરી સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું. આ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ વિશેષ ઉપસ્થિત રહી ડમરુ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થઈ કલાકારોનો ઉત્સાહ બમણો કર્યો હતો.
આ ભવ્ય યાત્રાનું વિધિવત પ્રસ્થાન વહેલી સવારે વડનગરના સુપ્રસિદ્ધ ધાંસકોળ દરવાજા ખાતેથી પરંપરાગત વાદ્યોના ગગનભેદી નાદ અને હર હર મહાદેવના ઘોષ સાથે કરવામાં આવ્યું હતું. મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ આ પ્રસંગે કલાકારોને બિરદાવ્યા હતા અને લોકસાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખતા આવા આયોજનોની સરાહના કરી હતી. ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું સંવર્ધન કરવા તેમજ ધાર્મિક ઉત્સવોના માધ્યમથી સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ યાત્રા નગરના વિવિધ ઐતિહાસિક અને પવિત્ર માર્ગો પરથી પસાર થઈ હતી.
ધાંસકોળ દરવાજાથી પ્રસ્થાન પામી આ આધ્યાત્મિક ડમરુ યાત્રા ભુવનેશ્વરી માતાજીના મંદિર અને મોઢવાડાના ચાચરે પહોંચી હતી, જ્યાં સ્થાનિક નાગરિકોએ યાત્રાનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ યાત્રા મસીયા મહાદેવ, અટાળો તથા મહાકાળી મંદિર જેવા પ્રાચીન સ્થાનો પર થઈને ચકલા અને આમતોલ દરવાજા તરફ આગળ વધી હતી. માર્ગમાં ઠેરઠેર સ્થાનિક રહિશો અને ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલાકારો પર પુષ્પવર્ષા કરી હતી અને સમગ્ર નગરમાં એક અનેરો ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. આ ભક્તિમય પદયાત્રાનું પાવન સમાપન વડનગરના આરાધ્ય દેવ અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન શ્રી હાટકેશ્વર મહાદેવના પરિસરમાં થયું હતું.
હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચીને મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સહિતના મહાનુભાવોએ વિધિવત દર્શન, પૂજા-અર્ચના અને જળાભિષેક કરી રાજ્યના નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને પ્રસાદ તથા વિશેષ શિવ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ રીતે પ્રસ્તુત થયેલા ૧૦૮ ડમરુના નાદે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પાવન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ, અગ્રણી શ્રી મયંકભાઈ પટેલ, સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ સામાજિક અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.


