પ્રેમલગ્નની અદાવતમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારે ભાઈએ જ સગી બહેન સાથે કર્યો વિશ્વાસઘાત

August 29, 2026

વડનગરમાં રાખડી બાંધવા બોલાવી પરિણીત બહેનનું ફિલ્મી ઢબે અપહરણ: હિંમતનગર લઈ જઈ મિલકતમાં હિસ્સો ન માંગવા દબાણપૂર્વક સહીઓ કરાવી

મોડી રાત્રે પેટ્રોલ પંપ નજીક મુક્ત કરાતાં પરિણીતાએ પોલીસ સમક્ષ વર્ણવી આપવીતી; વડનગર પોલીસે સાળા સહિત ચાર સામે ગુનો નોંધી તપાસ તેજ કરી

ગરવી તાકાત ઃ 29-8-2026

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાઈ-બહેનના સંબંધને લજવતો અને કાયદો વ્યવસ્થાને પડકારતો એક અત્યંત ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમલગ્નની અદાવત રાખીને સગા ભાઈએ જ અન્ય અજાણ્યા સાગરીતો સાથે મળીને પોતાની પરિણીત બહેનનું નંબર પ્લેટ વગરની અર્ટિગા ગાડીમાં ફિલ્મી ઢબે અપહરણ કરી લીધું હતું. પવિત્ર તહેવારના દિવસે બહેનને માત્ર રાખડી બાંધવાના બહાને બોલાવી આ આખું ષડયંત્ર પાર પાડવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ પરિણીતાને હિંમતનગર ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં પિયરની મિલકત કે જમીનમાં ભવિષ્યમાં કોઈ હક્ક-હિસ્સો નહીં માંગવા બાબતે ધાકધમકી આપી બળજબરીથી સહીઓ કરાવી લેવામાં આવી હતી. આ સમગ્ર મામલે પરિણીતા હેમખેમ મુક્ત થઈ પોતાના પતિ અને પોલીસ સમક્ષ પહોંચતાં સમગ્ર ષડયંત્ર પરથી પડદો ઊંચકાયો છે.

ઘટનાની વિગતો મુજબ, વડનગર તાલુકાના છાબલીયા સીમ વખારપુરા ગામે રહેતા અને ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા સચીનકુમાર ભરતજી ઠાકોરે આશરે સાત મહિના અગાઉ મલેકપુર ગામની વૈદેહી પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ વૈદેહી પોતાના સાસરે પતિ સાથે સુખી દાંપત્યજીવન વિતાવી રહી હતી. રક્ષાબંધનના દિવસે વૈદેહીના સગા ભાઈ જેનિલ પટેલે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલીને રાખડી બાંધવા માટે વડનગર ખાતે મળવા બોલાવી હતી. ભાઈના બોલાવવાથી ભાવુક બનેલી વૈદેહી પોતાના પતિ સચીનકુમાર અને ભત્રીજી સાથે એક્ટિવા પર સવાર થઈને વડનગરના તોરણીયા વડ નજીક આવેલા બહુચર પેટ્રોલ પંપ સામે પહોંચી હતી. ત્યાં નિર્ધારિત સ્થળે વૈદેહીએ પોતાના ભાઈ જેનિલને પ્રેમપૂર્વક રાખડી બાંધી હતી અને મોં મીઠું કરાવ્યું હતું.

પરંતુ આ પવિત્ર તહેવારની આડમાં જેનિલે બહેનનું અપહરણ કરવાનું પૂર્વઆયોજિત કાવતરું ઘડી રાખ્યું હતું. રાખડી બાંધવાની વિધિ પૂર્ણ થયા બાદ જ્યારે દંપતી પરત સાસરે જવા નીકળવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે જેનિલે કોઈને કોઈ બહાને તેમને વાતોમાં પરોવી રાખી રોકી રાખ્યા હતા. આ દરમિયાન અચાનક વિસનગર તરફથી એક શંકાસ્પદ અને નંબર પ્લેટ વગરની સફેદ રંગની અર્ટિગા કાર ત્યાં આવીને ઊભી રહી હતી. તેમાંથી બે અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા અને વૈદેહીની ભારે બૂમાબૂમ તથા પ્રતિકાર છતાં તેને બળજબરીપૂર્વક ખેંચીને કારમાં બેસાડી દીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જેનિલ પણ પોતાનું વાહન ત્યાં જ રસ્તા પર મૂકીને અપહરણકર્તાઓની ગાડીમાં સવાર થઈ ગયો હતો અને તમામ આરોપીઓ પૂરપાટ ઝડપે કાર હંકારીને નાસી છૂટ્યા હતા. પત્નીનું નજર સામે જ અપહરણ થતાં હતપ્રભ બનેલા પતિ સચીનકુમારે તાત્કાલિક વડનગર તાલુકા પોલીસ મથકે પહોંચી સાળા જેનિલ પટેલ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાવતરું રચી અપહરણ કરવાનો ગુનો દાખલ કરાવ્યો હતો.

અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત થયા બાદ પરિણીતા વૈદેહીએ પોલીસ અને પરિવાર સમક્ષ ચોંકાવનારી આપવીતી રજૂ કરી હતી. તેણે જણાવ્યું હતું કે આરોપીઓ તેને ગાડીમાં બેસાડીને સીધા હિંમતનગર ખાતે આવેલી એસપીજીની ઓફિસે લઈ ગયા હતા. ત્યાં અગાઉથી હાજર પિયર પક્ષના લોકોએ તેને સાસરી પક્ષ સાથેનો છેડો ફાડી પિયર પરત આવી જવા માટે સતત માનસિક દબાણ કર્યું હતું અને સમજાવટના પ્રયાસો કર્યા હતા. જોકે, વૈદેહીએ કોઈપણ સંજોગોમાં પોતાના પતિ સાથે જ સાસરે રહેવાની મક્કમતા દર્શાવતાં પિયર પક્ષના લોકો ઉશ્કેરાયા હતા. આખરે પિયર પક્ષના લોકોએ પોતાની અસલ દાનત છતી કરતાં પરિણીતા પાસે ભવિષ્યમાં પિયરની કોઈપણ સ્થાવર-જંગમ મિલકત કે જમીનમાં ક્યારેય પણ હક્ક-હિસ્સો નહીં માંગવા બાબતે તૈયાર કરાયેલા લખાણ પર દબાણપૂર્વક સહીઓ કરાવી લીધી હતી.

કાગળો પર સહીઓ કરાવી લીધા બાદ આરોપીઓ પરિણીતાને ફરીથી અર્ટિગા ગાડીમાં બેસાડીને મોડી રાત્રે આશરે એક વાગ્યાના સુમારે વડનગર પેટ્રોલ પંપ નજીક નિર્જન જગ્યાએ ઉતારીને અંધારામાં ફરાર થઈ ગયા હતા. ભયભીત હાલતમાં મુક્ત થયેલી પરિણીતાએ તુરંત જ ત્યાંથી પસાર થતી એક વ્યક્તિની મદદ મેળવી તેમના મોબાઈલ ફોન પરથી પોતાના પતિ સચીનકુમારનો સંપર્ક સાધ્યો હતો. પત્નીનો ફોન આવતાં જ પતિ તાત્કાલિક વડનગર પોલીસ સ્ટાફને સાથે રાખીને પેટ્રોલ પંપ પર પહોંચી ગયો હતો અને પત્નીને હેમખેમ પોતાની સાથે લઈ લીધી હતી. વડનગર પોલીસે યુવતીનું વિગતવાર અને કાયદેસરનું નિવેદન નોંધીને અપહરણ, ધાકધમકી તથા દબાણપૂર્વક સહીઓ કરાવવા બદલ ગુનામાં સંડોવાયેલા જેનિલ પટેલ સહિતના તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0