રક્ષાબંધનના પર્વે મહેસાણાના તાવડીયા રોડ પર આવેલી સોસાયટીમાં નજીવી બાબતે લોહીયાળ જંગ

August 29, 2026

ગરવી તાકાત ઃ 29-8-2026

મહેસાણા શહેરના તાવડીયા રોડ પર આવેલી સંકેતનગર સોસાયટી પાસેના સમર્પણ વિલામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ કાર પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં બે પાડોશી પરિવારો વચ્ચે ભારે ધીંગાણું સર્જાયું હતું. ભાઈ-બહેનના સ્નેહના આ તહેવાર પર મહેમાનની ગાડી પાર્ક કરવા મુદ્દે શરૂ થયેલી સામાન્ય બોલાચાલી જોતજોતામાં અત્યંત હિંસક સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી. બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઉશ્કેરાટ ફેલાતાં લાકડાના ધોકા, મોટા પાટિયા અને ઈંટો વડે સામસામે છૂટા હાથે પથ્થરમારો તેમજ હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક અથડામણમાં 14 વર્ષની એક સગીરા સહિત બંને પક્ષના અનેક લોકોને માથા તેમજ શરીરના વિવિધ ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે સમગ્ર સોસાયટીમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

આ લોહીયાળ અથડામણની જાણ થતાં જ આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તમામ ઈજાગ્રસ્તોને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. સમગ્ર બનાવ સંદર્ભે બંને પક્ષો દ્વારા સામસામી ગંભીર આક્ષેપો કરતી ક્રોસ ફરિયાદો નોંધાવવામાં આવતાં પોલીસે રાયોટિંગ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

પ્રથમ પક્ષે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ફેડરલ બેંકમાં કલેક્શન મેનેજર તરીકે ફરજ બજાવતા વિપુલકુમાર રામજીભાઈ સોલંકીના ઘરે રક્ષાબંધન નિમિત્તે મહેમાનો આવ્યા હતા. મહેમાનની ફોર વ્હીલર ગાડી સોસાયટીના ગેટ પાસે વ્યવસ્થિત પાર્ક કરવામાં આવી રહી હતી, ત્યારે પાડોશમાં રહેતા પૂનમભાઈ પરમાર, તેમના પત્ની ભારતીબેન અને પુત્ર ત્યાં આવી પહોંચ્યા હતા અને ગાડી અહીં કેમ પાર્ક કરો છો તેમ કહી અચાનક બેફામ ગાળાગાળી કરવા લાગ્યા હતા. વિપુલકુમારે તેમને ગાળો બોલવાની સ્પષ્ટ ના પાડતાં મામલો વધુ બિચક્યો હતો અને પૂનમભાઈના પુત્રએ ઉશ્કેરાઈને પોતાના ઘરમાંથી લાકડાનું મોટું પાટિયું લાવી સીધું જ વિપુલકુમારના માથામાં ફટકારી દીધું હતું. આ જીવલેણ હુમલામાં પાટિયું તૂટી જતાં તેનો એક મોટો ટુકડો ઉછળીને વિપુલકુમારની 14 વર્ષીય પુત્રી કાનનના માથામાં વાગતાં તે લોહીલુહાણ થઈ ગઈ હતી. આ દરમિયાન વચ્ચે બચાવવા પડેલા તેમના ભાઈ અશ્વિનભાઈ ઉપર પણ લાકડાના પાટિયા વડે હુમલો કરી હાથના ભાગે ઈજાઓ પહોંચાડી તમામ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

બીજી તરફ સામા પક્ષે કડિયાકામ કરતા પૂનમભાઈ ખોડાભાઈ પરમારે વળતી ફરિયાદ નોંધાવતાં આક્ષેપ કર્યો હતો કે, વિપુલભાઈના ઘરે આવેલા મહેમાને તેમની ગાડી પૂનમભાઈના ઘર આગળ પાર્ક કરી દીધી હતી. તેથી તેમણે આ ગાડી પોતાના ઘર આગળ પાર્ક કરવા વિનંતી કરી હતી, પરંતુ આ સામાન્ય વાત સાંભળતાં જ સામેવાળો પરિવાર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગંદી ગાળો આપવા લાગ્યો હતો. ત્યાર બાદ વિપુલભાઈ, તેમના પત્ની મીનાક્ષીબેન, અન્ય એક સંબંધી અને એક એક્ટિવાચાલકે એકસંપ થઈ પૂનમભાઈના ઘર આગળ લાગેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી નાખી હતી. આટલેથી ન અટકતાં તેઓએ લાકડાના ધોકા વડે પૂનમભાઈ અને તેમના પરિવાર પર હુમલો કરી દીધો હતો. પોતાનો જીવ બચાવવા માટે પૂનમભાઈનો પરિવાર ઘરની અંદર દોડી ગયો હતો, જેથી ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ઘર પર ઈંટોથી ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને ઘરની બારીઓના કાચ તોડી નાખી ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

આ હિંસક મારામારીમાં પૂનમભાઈ, તેમના પત્ની ભારતીબેન અને પુત્ર નીલેશને શરીરના અનેક ભાગો પર ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના એમ.એસ.ડબલ્યુ વોર્ડમાં દાખલ કરીને સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસે બંને પક્ષોના નિવેદનોના આધારે કાયદેસરનો ગુનો નોંધી સોસાયટી પરિસરના સીસીટીવી ફૂટેજ મેળવવાની તેમજ પ્રત્યક્ષદર્શી સાક્ષીઓની પૂછપરછ કરવાની તજવીજ તેજ કરી છે. તહેવારના દિવસે જ નજીવી બાબતે સર્જાયેલી આ હિંસક ઘટના સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0