ગરવી તાકાત, તા. 12- કચ્છ જિલ્લામાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભૂજમાં ભારે પવન ફૂંકાતા દીવાલ ધરાશાયી થઈ હતી. શહેરના લખુરાઈ ચાર રસ્તા પાસે દીવાલ પડતા બે બાળકોના મોત નીપજ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, બાળકો રમી રહ્યા હતા. ત્યારે અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી અને બાળકો દબાઈ જતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે મૃતક બાળકોના પરિવારજનોએ ભારે પવનને કારણે દીવાલ ધરાશાયી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. હાલ બંને બાળકોના મૃતદેહ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં પણ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. ત્યારે જિલ્લાના જસદણ તાલુકામાં આવેલા કમળાપુર ગામે ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમાં રસ્તેથી પસાર થઈ રહેલા દંપતી પર પડતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ, જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ છવાયેલો છે. એકતરફ વાવાઝોડાનું સંકટ છે તો બીજી તરફ વરસાદી આફત માથે આવીને ઊભી છે. જિલ્લાના માંગરોળ અને માળીયા હાટીના તાલુકામાં સૌથી વધુ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત જૂનાગઢ, કેશોદ અને વંથલીમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. સરેરાશ વરસાદની વાત કરીએ તો, સમગ્ર જિલ્લામાં છેલ્લા ચાર કલાકમાં અડધા થી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી છે. ત્યારે જિલ્લાના સુરેન્દ્રનગર, વઢવાણ અને થાન તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વરસાદ ચાલુ થતા લોકોને ભારે ઉકળાટમાંથી મુક્તિ મળી છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સમી સાંજે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ઉલ્લેખનીય છે કે, દરિયામાં ગઈકાલ કરતાં વધુ કરંટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત દરિયામાં 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડાની અસરને કારણે જામનગર શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ત્યારે સવારથી ભારે ગરમી વચ્ચે સાંજે વરસાદી માહોલ છવાતા શહેરીજનોને રાહતનો અનુભવ થઈ રહ્યો છે.


