બાઇકના હુકના થેલામાં ભરાવેલા 1.77 લાખની લૂંટ ચલાવી લૂંટારુ ભાગી ગયા
ઊંઝા આંગડીયા પેઢી ધરાવતાં અને વિસનગર ખાતે રહેતા પેઢીના માલિક સાંજના સમયે બાઇક પર વિસનગર જઇ રહ્યા હતા
વિસનગરના ભાન્ડુ પાસે લૂંટની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં વિસનગરના વાલમ પાસે ફરી લૂંટની ઘટના
ગરવી તાકાત, મહેસાણા તા. 16- બે દિવસ અગાઉ વિસનગર તાલુકાના ભાન્ડુ ગામની સીમ નજીક પીકઅપ ડાલામાં બેઠેલા વ્યકિતની કપડાથી મોઢું દબાવી પેન્ટના ખિસ્સામાં બ્લેડ મારી બે શખ્સોએ 70 હજારની લૂંટ ચલાવી હતી. જે બે લૂંટારુને મહેસાણા એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી જેલમાં ધકેલ્યાં હતા. આ લૂંટની ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં ફરી વિસનગર તાલુકાના વાલમ ગામ પાસે બાઇક પર આવેલા ત્રણ લૂંટારુઓએ વિસનગર રહેતા આંગડીયા પેઢીના માલિકને આંતરીને 1.77 લાખની લૂંટ ચલાવતાં ચકચાર મચી જવા પામી છે.

ઊંઝા ખાતે વિશ્વાસ એન્ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢી ધરાવતા અને વિસનગરની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા પટેલ અમરતભાઇ જોઇતારામ ગત રોજ તા. 15ની સાંજે રાબેતા મુજબ સાંજના સમયે પેઢી વધાવી તેમની પાસે રહેલી 1.77 લાખ રુપિયાની રકમ તેમના બાઇકના હુક પર થેલામાં ભરાવી ઊંઝાથી વિસનગર ઘરે આવવા માટે નીકળ્યાં હતા. આ દરમિયાન વાલમ આશ્રમ પાસેથી પસાર થઇ રહ્યા હતા.
આ દરમિયાન મોઢા પર કપડું ઢાંકેલા બાઇક પર આવેલા ત્રણ લૂંટારુઓએ અમરતભાઇના બાઇકને ધક્કો મારી નીચે પાડી દીધું હતું. ધોકા વડે હુમલો કર્યો હતો ત્યારબાદ ત્રણે શખ્સોએ તેમના બાઇક પર રહેલા થેલાની લૂંટ કરતાં અમરતભાઇએ ચોર ચોરની બૂમો પાડવા લાગતાં 1.77 રુપિયાની રકમ ભરેલો થેલો તફડાવી બે લૂંટારા વિસનગર તરફ તેમજ એક લૂંટારો નજીકમાં આવેલા એરંડાના ખેંતરમાં પોતાનું બાઇક મુકી ભાગી છૂટ્યાં હતા. આ ઘટના અંગે અમરતભાઇએ વિસનગર તાલુકા પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવતાં વિસનગર પોલીસને લૂંટારુઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.


