ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના ધોબીઘાટ વિસ્તારમાં એક ઘટના સામે આવી, જ્યાં ત્રણ શખ્સોએ એક ઘરમાં ઘૂસી હિંસક હુમલો કર્યો. મંગળવારે બનેલી આ ઘટનામાં મુલ્લા રીયાઝ હુસેન, મુલ્લા મોઈનહુસેન અને મુલ્લા અમલ હુસેન નામના ત્રણ શખ્સોએ વસંતસિંહ માનસિંહ ચાવડાના ઘરે આવી હુમલો કર્યો. વિગતો મુજબ, શરૂઆતમાં મુલ્લા રીયાઝ હુસેન ફરિયાદીના ઘરે આવ્યો હતો અને ફોઈના દીકરા વિશે પૂછપરછ કરી હતી.
ત્યારબાદ તેણે ઘરમાં ઘૂસીને વાસણો વેરવિખેર કર્યા થોડા સમય બાદ અન્ય બે શખ્સો સાથે પાછો આવ્યો અને ગાળાગાળી શરૂ કરી. જ્યારે ફરિયાદી પક્ષે તેમને ગાળો બોલવાની ના પાડી, ત્યારે આરોપીઓએ હિંસક હુમલો કર્યો હતો. હુમલામાં એક શખ્સે લોખંડની પાઈપ વડે વસંતસિંહને બરડા અને કલાઈના ભાગે મારી ઈજા પહોંચાડી હતી.
બીજા આરોપીએ બાઠ ભીખાજીને ગડદાપાટુનો માર માર્યો હતો, જ્યારે ત્રીજા શખ્સે જયદીપભાઈને કપાળના ભાગે ઈજા પહોંચાડી અને આરોપીઓએ જતા જતા જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી વસંતસિંહ મૂળ અસારા, તાલુકો વાવના રહેવાસી છે, જ્યારે આરોપીઓ શુકન બંગલોઝ, શોભાસણ રોડના રહેવાસી છે.