ગરવી તાકાત, અંબાજી તા. 13 – ગરમીની સિઝન ચાલુ થતા દાંતા તાલુકામાં આવેલા અનેકો અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. દાંતા તાલુકામાં નલ સે જલ યોજના હજી ઘણી બધી જગ્યાએ નિષ્ફળ સાબિત થઈ રહી છે. તો ક્યાંક જલ સે નલ યોજનાની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યાં ગુણવત્તા સાથે કામગીરી ન થતા અમુક જગ્યાએ રોડ રસ્તાઓ સાથે પાઇપલાઇન વ્યવસ્થિત રીતે ન થતા પાણીનો બગાડ પણ જોવા મળી રહ્યો છે.
શક્તિપીઠ અંબાજીમાં નલ સે જલ યોજનાની લગભગ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે અંબાજીના ઘણા બધા વિસ્તારોમાં નલ સે જલ યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની ગુણવત્તા અને નિયમોને સાઈડ મા મૂકી કામગીરી કરવામાં આવી છે. અંબાજીમાં ઘણા બધા રહેણાંક વિસ્તારોમાં નલ સે જલ યોજનાની કામગીરી દરમ્યાન રોડ રસ્તાઓને ફરી દુરુસ્ત કરવાની કામગીરી દેખાઈ. સાથે સાથે નલ સે જલ યોજનામાં લાગેલી પાઇપલાઇન પણ અમુક વિસ્તારોમાં તૂટવાના કારણે હજારો લીટર પાણીનો વેરફાડ પણ જોવા મળી રહ્યો છે.

અંબાજીના 8 નંબર વિસ્તારમાં નલ સે જલ યોજના અંતર્ગત લાગેલી પાઇપલાઇન તૂટવાના કારણે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થતો જોવા મળ્યો હતો. અંબાજીના 8 નંબર વિસ્તારમાં રેહતા વિનોદભાઈના ઘર આગળ લાગેલા નલ સે જલ યોજનામની પાઇપલાઇન તૂટવાના કારણે 3 દિવસથી પાણીનો બગાડ થઈ રહ્યો હતો. જેની જાણ તંત્રને કરવા છતાં 3 દિવસ બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતા હજારો લીટર પાણીનો બગાડ થયો હતો.

પાણી પુરવઠાના અધિકારી સાથે ટેલીફોનિક વાતચીત દરમિયાન અધિકારીએ જણાવ્યું હતું કે, અમારે ધ્યાને અંબાજીમાં 8 નંબર વિસ્તારમાં પાઇપલાઇનમાંથી પાણીના બગાડ બાબતે જણાવવામાં આવ્યું છે. ત્યારે અમે આજરોજ સમારકામ માટે માણસો મોકલી પણ દીધા છે અને પાઇપલાઇનને તાત્કાલિક રિપેર કરી પાણીના બગાડને રોકવામાં આવશે.


