-> જીલ્લા વડા હિમાંશુ સોલંકી ના અધ્યક્ષ સ્થાને યોજાયો સેમિનાર :
ગરવી તાકાત મહેસાણા : સરકાર દ્વારા રાજ્યમાં કોઈપણ ભોગે વ્યાજખોરીને ડામી દેવા માટે પોલીસને છૂટો દોર આપવામાં આવ્યો હોય ઘણા લાંબા સમયથી વ્યાજના અજગરી ભરડામાં સપડાયેલા પીડિતોને છૂટકારો અપાવવા માટે પોલીસે વ્યાજખોરો ઉપર ધોંસ બોલાવવાનું શરૂ કરી દીધું છે. આ અંતર્ગત મહેસાણા પોલીસ દ્વારા વ્યાજખોરીથી પીડાતાં લોકોની પીડા સાંભળી વ્યાજખોર તરફથી તેમને મળી રહેલા દુ:ખ-દર્દને દુર કરવા માટે આજે મહેસાણા ખાતે પોલીસ મથક હદ વિસ્તારના સેમિનાર યોજાયો હતો. વ્યાજને લગતી સમસ્યાઓનું નિરાકરણ તેમજ આ બદીથી મુક્ત કરવા માટે વ્યાજ દુષણ સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર આ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેઓ આર્થિક તંગીને કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતાં લોકો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે.

અને પછી રીતસરની વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ જતા હોય છે. એકંદરે વ્યાજખોરોને કારણે એક વ્યક્તિને નહીં બલ્કે આખા પરિવારને પાયમાલી વેઠવી પડતી હોય છે તો વળી અનેક લોકોએ કાં તો આપઘાત કરી લેવો પડે છે કાં તો આપઘાત કરવાના પ્રયાસમાં તેમનો જીવ જોખમમાં આવી જતો હોય છે. આ દૂષણને ડામવા માટે મહેસાણા પોલીસ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર માં મહેસાણા જિલ્લા વડા હિમાંશુ સોલંકી, બેન્ક ના કર્મચારીઓ,સ્થાનિક કાઉન્સિલર ઉપરાંત જીલ્લા ના પોલીસ મથકના પી.આઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

વ્યાજખોરો વિરૂધ્ધમાં મહેસાણા પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવી, ગુજરાત રાજયમાં ફક્ત આંકડા દર્શાવવા નહી પરંતુ ખરેખર કામગીરી થાય, પોલીસ અધિકારીઓ લોકોની વચ્ચે જઇ સમજ આપે અને સામૂહિક લોકજાગૃતિ આવે, હિંમત આવે તે માટે કાર્યવાહી કરી છે. આરોપીઓ પાસેથી ભોગ બનનારને વસ્તુઓ પરત મળે તેવી કામગીરીઓ થઇ છે અને રાજ્યના હજારો લોકોને વ્યાજના દુષણમાંથી બચાવવામાં આવ્યા છે.

જરુરીયાતમંદ સામાન્ય નાગરિકોને લોન/ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીયકૃત બેન્કો/સહકારી બેન્કોના પ્રતિનિધીઓ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતાં અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓને હાજર રાખી મહેસાણા જીલ્લાના ઓડીટોરિયમ હોલ પોલીસ હેડ ક્વાટર , મહેસાણા ખાતે જરૂરીયાતમંદ નાગરિકોને એકત્ર કરી, યોગ્ય લોન ધિરાણ અપાવવામાં સહાયતા કરવા માટે રાજયવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.


