વિવિધ શેલ કંપનીઓ ઉભી કરી ૯૦૦ કરોડ રૃપિયાના બોગસ બિલિંગ કેસમાં સંડોવાયેલા અમદાવાદના વેપારી પરેશ ચૌહાણને જામીન પર મુક્ત કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. જામીન અરજી મંજૂર કરતાં સમયે કોર્ટે નોંધ્યું છે કે આ પ્રકારના કેસમાં આરોપીને અનિશ્ચિતકાળ સુધી કસ્ટડીમાં ડિટેઇન કરી શકાય નહીં. નોંધાયેલા ગુના પ્રમાણે અરજદારને મહત્તમ પાંચ વર્ષની સજા થઇ શકે તેમ છે અને ૨૫ મહિનાથી તે જેલમાં છે. તેથી હવે તેના જામીન મંજૂર થવા જાેઇએ.
હાઇકોર્ટે જામીન અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અપીલમાં અરજદાર આરોપી પરેશ ચૌહાણ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે જે-તે સર્ચ ઓપરેશન દરમિયાન તપાસ અધિકારીઓ તેમના ઘરે એક અઠવાડિયાથી પણ વધુ સમયે ગેરકાયદે રહ્યા હતા અને હાઇકોર્ટ સમક્ષ આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. તે ગત ૨૫ મહિનાજી જેલમાં છે, તેથી હવે જામીન અરજી મંજૂર થવી જાેઇએ. સામા પક્ષે રાજ્ય સરકારની રજૂઆત હતી કે અરજદારે અગાઉ પણ આવી રીતે કાયદાઓનો ભંગ કર્યો હોવાથી જામીન અરજી મંજૂર ન થવી જાેઇએ.
બન્ને પક્ષાને સાંભળી જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશની ખંડપીઠે નોંધ્યું છે કે અરજદાર સામેના ગુનાઓ પ્રમાણે તે દોષિત સાબિત થાય તો મહત્તમ પાંચ વર્ષની સજા થઇ શકે તેમ છે અને તે ૨૫ મહિનાથી જેલમાં છે. સજાનો ૫૦ ટકા ભાગ તે જેલમાં વીતાવી ચૂક્યા છે, ઉપરાંત આવાં કેસમાં આરોપીને અનિશ્ચિતકાળ સુધી કસ્ટડીમાં રાખી શકાય નહીં. તેથી જામીન અરજી મંજૂર કરવામાં આવે છે.
(ન્યુઝ એજન્સી)