માઉન્ટ આબુમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબકતા રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા
ધોધમાર વરસાદને પગલે દેલવાડા જતા પુલ પર પાણીનો વેગ વધી જતા દેલવાડાના મુખ્ય માર્ગને બંધ કરવાની ફરજ પડી
ગરવી તાકાત, માઉન્ટ આબુ,તા.12 – માઉન્ટ આબુમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબકતા રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ધોધમાર વરસાદને પગલે દેલવાડા જતા પુલ પર પાણીનો વેગ વધી જતા દેલવાડાના મુખ્ય માર્ગને બંધ કરવાની ફરજ પડી હતી. જો કે માઉન્ટ આબુમાં ઉમટેલા પ્રવાસીઓએ વરસાદનો આનંદ માણ્યો હતો.
પશ્ચિમ ભારત અને રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા 12 કલાકથી સતત વરસાદ ચાલુ છે અને સવાર સુધીમાં 80 મીમીથી વધુ વરસાદ પડી ચૂકયો છે. વરસાદને કારણે માઉન્ટ આબુની નદીઓ અને નાળાઓમાં પાણી ઝડપી ગતિએ વહી રહ્યા છે.
માઉન્ટ આબુની બનાસ નદી અને ગુજરાત તરફ જતી અન્ય નદીઓમાં પણ તેની અસર જોવા મળી રહી છે, કારણ કે માઉન્ટ આબુનુ પાણી તળેટી આબુ રોડ પર આવી જતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જો કે પ્રવાસીઓ માઉન્ટ આબુ આવીને આ સીઝનનો ભરપૂર આનંદ માણી રહ્યા છે.