યુએસમાં દૈનિક ૨.૨૯ લાખ કેસ,સ્પેનમાં કોરોનાના નવા ૨,૧૪,૬૧૯ કેસ
કોરોના મહામારીએ અમેરિકા અને યુરોપમાં અજગર ભરડો લીધો છે. અમેરિકન સરકારે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના નવા કેસમાં ઓમિક્રોન વેરિઅન્ટના ૫૯ ટકા જેટલા કેસ જાેવા મળી રહ્યા છે. અગાઉના સપ્તાહે કોરોનાના કેસમાં ઓમિક્રોનના કેસનું પ્રમાણ ૨૩ ટકા હતું. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨.૨૯ લાખ કેસ નોંધાયા હતા. બીજીબાજુ યુરોપમાં બ્રિટન ઉપરાંત સ્પેન જેવા દેશોમાં પણ કોરોના વકર્યો છે. સ્પેનમાં કોરોનાના નવા ૨,૧૪,૬૧૯ કેસ નોંધાયા છે. દુનિયામાં કોરોનાના કુલ કેસ ૨૮,૨૩,૫૪,૨૪૪ થયા છે જ્યારે મૃત્યુઆંક ૫૪,૨૬,૫૦૮ થયો છે.
અમેરિકામાં સેન્ટર્સ ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન વિભાગે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના નવા કેસમાં ઓમિક્રોનના કેસનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેને પગલે કોરોનાના દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ પણ વધ્યું છે. પરિણામે મોટાભાગના રાજ્યોમાં હોસ્પિટલાઈઝેશનનો દર ટોચના સ્તર નજીક છે. ઓહાયા, ઈન્ડિયાના અને ડેલવેરમાં હોસ્પિટલમાં દાખલ થનારા કોરોનાના દર્દીઓનું પ્રમાણ ૮૦ ટકા જેટલું ઊંચું નોંધાયું છે. અમેરિકામાં કોરોનાના નવા ૨,૨૯,૦૧૬ કેસ નોંધાવાની સાથે કુલ કેસ ૫,૩૭,૯૧,૮૫૨ થયા હતા જ્યારે વધુ ૮૨૩નાં મોત સાથે મૃત્યુઆંક ૮,૩૯,૬૦૫ થયો હતો.
યુરોપમાં બ્રિટન ઉપરાંત હવે સ્પેનમાં પણ કોરોનાનો હાહાકાર જાેવા મળી રહ્યો છે. સ્પેનમાં સોમવારે મોડી રાત્રે કોરોનાના નવા ૨,૧૪,૬૧૯ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસ ૫૯,૩૨,૬૨૬ થયા હતા જ્યારે મૃત્યુઆંક ૮૯,૧૩૯ થયો હતો. સ્પેનમાં ઓમિક્રોન વેરિઅન્ટના કારણે કોરોનાના કેસમાં અસાધારણ ઉછાળો આવ્યો છે તેમ વૈજ્ઞાાનિકોએ જણાવ્યું હતું. કોરોનાના કેસ વધતાં સ્પેને અનેક પ્રદેશોમાં નિયંત્રણો લાગુ કર્યા હતા.
બ્રિટનમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૨૯,૪૭૧ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧,૨૩,૩૮,૬૭૬ થયા છે અને મૃત્યુઆંક ૧,૪૮,૦૨૧ થયો છે. કોરોનાના કેસ વધવા છતાં નવા વર્ષની ઊજવણી પહેલાં લોકડાઉન લાગુ નહીં કરવાનો સરકારે ર્નિણય લીધો છે. જાેકે, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરીય આયર્લેન્ડે ઓમિક્રોનનો પ્રસાર અટકાવવા માટે પાર્ટી અને નાઈટ ક્લબ્સ પરનો પ્રતિબંધ જાળવી રાખ્યો છે. નિષ્ણાતો સાથેની બેઠક પછી વડાપ્રધાન બોરિસ જાેન્સને જણાવ્યું હતું કે, નવા વર્ષ પહેલાં દેશમાં કોઈ વધારાના નિયંત્રણો લાગુ કરવામાં નહીં આવે.
ઓસ્ટ્રેલિયામાં પણ કોરોનાએ ઊથલો માર્યો છે. ઓસ્ટ્રેલિયાના બે રાજ્યો વિક્ટોરિયા અને ક્વીન્સલેન્ડમાં નવા દૈનિક કેસમાં વિક્રમી ઊછાળો આવ્યો છે. ક્વિન્સલેન્ડમાં પહેલી વખત કોરોનાના દૈનિક કેસ ૧,૦૦૦ને ઉપર થતાં ૧,૧૫૮ નોંધાયા હતા. જાેકે, અહીં હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ ઓછું છે. રાજ્યમાં એક્ટિવ કેસ ૪,૦૦૦ છે, જેમાંથી ૨૫૭ કેસ ઓમિક્રોનના છે. ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસતીવાળા ન્યૂ સાઉથ વેલ્સમાં નવા ૬,૦૬૨ કેસ નોંધાયા હતા.