દિલ્હી તા. 14 : રાજધાની દિલ્હીના મોહન ગાર્ડન વિસ્તારમાં બુધવાર સવારે શાળાએ જતી એક છોકરી પર બે બદમાશોએ એસિડ ફેંક્યું. આ છોકરી 12મા ધોરણની વિદ્યાર્થીની છે, જે સવારે 7:30 વાગ્યે તેની નાની બહેન સાથે ઘરેથી નીકળી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે 17 વર્ષીય યુવતી તેના ઘરથી થોડે દૂર ગઈ કે તરત જ બાઇક પર સવાર બે લોકોએ તેના ચહેરા પર એસિડ ફેંકી દીધું. ઘટના બાદ વિદ્યાર્થિનીની નાની બહેન દોડતી ઘરે પહોંચી હતી અને સમગ્ર ઘટના પરિવારને જણાવી હતી. પીડિત છોકરીને ઉતાવળમાં વિસ્તારની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની ગંભીર હાલતને જોઈને છોકરીને સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. 
ઘટના વિશે વાત કરતા વિદ્યાર્થીની માતાએ જણાવ્યું કે જ્યારે આ બધું થયું ત્યારે તે ઘરે જ હતી. પીડિત વિદ્યાર્થીની સાથે રહેતી તેની નાની પુત્રી દોડતી ઘરે આવી અને તેના પિતા વિશે પૂછવા લાગી. તે એટલી ડરી ગઈ હતી કે તે કંઈ બોલી પણ ન શકી. તેણી તેના પિતાનો હાથ પકડીને તેને બહાર લઈ ગઈ. પીડિત વિદ્યાર્થીનીની માતાએ જણાવ્યું કે નાની પુત્રીએ જ તેને સમગ્ર ઘટના વિશે જણાવ્યું. તેમનું કહેવું છે કે તેમની પુત્રી હાલમાં ICUમાં છે અને તે આંખો પણ ખોલી શકતી નથી.
બીજી તરફ પીડિતાના પિતાએ કહ્યું કે, મારી નાની દીકરી દોડતી ઘરે આવી અને કહ્યું કે 2 છોકરાઓએ બહેન પર એસિડ ફેંકીને ફરાર થઈ ગયા. તેમના ચહેરા પણ ઢાંકેલા છે, તેથી કંઈ ખબર નથી. તેની (પીડિતા) હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે, તેની બંને આંખોમાં એસિડ જતું રહ્યું છે. આ ઘટના પછી, પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ અને સીસીટીવી ફૂટેજ શોધવામાં આવ્યા, ત્યારબાદ એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો. જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે. હાલ પોલીસ આ ઘટના પાછળનું સાચું કારણ શું છે તે શોધી રહી છે. DCP દ્વારકા એમ હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “વિદ્યાર્થિની પર એસિડ ફેંકવામાં આવ્યો હતો અને તે 8 ટકા દાઝી ગઈ છે અને અત્યારે તે હોસ્પિટલમાં છે. હાલ વિદ્યાર્થિની જોખમની બહાર છે. પોલીસે એક ટીમ બનાવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.”


