-> ગામડાઓ સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ બનશે તો દેશ પણ સ્વચ્છ અને સમૃદ્ધ બનશે – ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુવરજી બાવળિયા :
-> “અમારું શૌચાલય, અમારું ભવિષ્ય” અભિયાનમાં સહભાગી થઈ ગુજરાતને માત્ર સ્વચ્છ જ નહીં પરંતુ ગૌરવ અને આરોગ્યની રાષ્ટ્રીય મિસાલ બનાવવા અનુરોધ કરતા મંત્રી :
-> મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલયના મંજૂરી પત્રો અને સફાઈ કામદારોને સ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવ્યું :
-> સામુહિક શૌચાલયના મરામત અને નિભાવણી માટે ગ્રામ પંચાયત અને સખી મંડળ વચ્ચે MOU કરવામાં આવ્યા :
ગરવી તાકાત મહેસાણા : દર વર્ષે સમગ્ર વિશ્વમાં તા.19 નવેમ્બરને વિશ્વ શૌચાલય દિવસ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને મહેસાણા જિલ્લાના મેઉ ખાતે રાજ્યકક્ષાના વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન કરતા ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, ગામડાઓ દેશની કરોડરજ્જુ સમાન છે, જો ગામડાઓ સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ બનશે તો દેશ પણ સ્વચ્છ અને સમૃદ્ધ બનશે. ગાંધીજી સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવા માટે હંમેશા આગ્રહ રાખતા હતા. આથી સ્વચ્છતાને અગ્રતાક્રમ આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો શુભારંભ કરવામાં આવ્યો અને આ મિશન હેઠળ ગાંધીજીની જન્મ જયંતી એટલે કે 2 ઓક્ટોબર 2019 ના રોજ આપણા દેશને ખુલ્લામાં શૌચમુક્ત કરવામાં આવ્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં 8,168 સામુહિક શૌચાલયના બાંધકામ કરાયા છે. આ ઉપરાંત પ્રવાહી કચરાના નિકાલ અને તેના વ્યવસ્થાપન માટે ગામમાં 5.55 લાખ વ્યક્તિગત સોકપીટ અને 1.43 લાખ સામૂહિક સોકપીટની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘન કચરાના વ્યવસ્થાપનની કામગીરીને ભાગરૂપે ૧૭ હજાર જેટલા ગામડાઓમાં નિયમિત ધોરણે ઘન કચરાનું ડોર ટુ ડોર કલેક્શન કરાય છે. રાજ્યમાં ગોવર્ધન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1286 ગોવર્ધન વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ પણ બન્યા છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે 19 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી “અમારું શૌચાલય, અમારું ભવિષ્ય” અભિયાન હેઠળ શૌચાલયના ઉપયોગના સંદેશ અને સ્વચ્છતા અને સન્માનના મૂલ્યોને સમર્થન આપવામાં આવશે ત્યારે મંત્રીશ્રીએ આ અભિયાનમાં સૌને સહભાગી થઈ ગુજરાતને માત્ર સ્વચ્છ જ નહીં પરંતુ ગૌરવ અને આરોગ્યની રાષ્ટ્રીય મિસાલ બનાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણેએ સ્વાગત પ્રવચન કરી ગ્રામ વિકાસ વિભાગની કામગીરી અને શૌચાલય દિવસની ઉજવણી વિશે વાત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલયના મંજૂરી પત્રો અને સફાઈ કામદારોને સ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત સામુહિક શૌચાલયના મરામત અને નિભાવણી માટે ગ્રામ પંચાયત અને સખી મંડળ વચ્ચે MOU કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ, મહેસાણા લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, અગ્રણીશ્રી ગિરીશભાઈ રાજગોર, પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અધિક કમિશ્નરશ્રી બી.એમ.પ્રજાપતિ, જિલ્લા કલેક્ટર એસ.કે.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.હસરત જૈસમીન, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી મિહિર પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષનિધિબેન શાહ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


