મહેસાણા જીલ્લામાં પ્રતિબંધીત દવાઓનુ ધુમ વેચાણ- આવા લોકોને કોણ છાવરી રહ્યુ છે ? સંપુર્ણ મોડસ ઓપરેન્ડીનો કરવામાં આવશે પર્દાફાશ

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જીલ્લામાં બોગસ ડોક્ટરો સહીત ગેરકાયદેસર રીતે દવા વેચાવાનો રાફડો ફાટ્યો છે. જેમાં આવા ડોક્ટરો તથા મેડીકલ દવાઓના સ્ટોરવાળા નિયમો નેવે મુકીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. પરંતુ ફુડ એન્ડ ડ્રગ વિભાગ આ લોકો પર મહેરબાન હોઈ આ ગેરકાનુની ધંધો ધમધમી રહ્યો છે. જેમાં આ ગોરખધંધાને કાયદેસર રીતે ચલાવવા માટે ફુડ એન્ડ ડ્રગ વિભાગને મસ મોટા હપ્તા પહોંચાડતા હોવાની ચર્ચા પણ સામે આવી છે.

મહેસાણા જીલ્લાના અનેક શહેરમાં એક તરફ બોગસ ડોક્ટરો વગર ડીગ્રીએ પ્રેક્ટિસ કરી રહ્યા છે તો બીજી તરફ મેડીકલ સ્ટોર પર પ્રતિબંધીત દવાઓનુ ધુમ વેચાણ ચાલી રહ્યુ છે. જેમાં ગર્ભપાતની દવાઓ સહીતની એક્સપાયરી ડેટની દવાઓમાં મીલાવટ કરીને પણ વેચાણ થતુ હોવાનુ જાણવા મળ્યુ છે. ગરવી તાકાતમાં બોગસ ડોક્ટરો મામલે તથા પ્રતિબંધીત દવાઓના વેચાણ પણ અહેવાલ પણ પ્રકાસીત કરાયા હતા. પરંતુ જનસ્વાસ્થ્ય સાથે ખતરનાખ ખેલ કરનારા આવા ગુનેગારો વિરૂદ્ધ આજ દિન સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

પ્રતિબંધીત દવાઓ તથા એક્સપાયરી ડેટવાળી દવાઓનુ માર્કેટ પણ ખુબ ઉંચુ છે. આવી દવાઓ વેચીને મેડીકલ સ્ટોરના માલીકો લાખો-કરોડોનો નફો રળતા હોય છે. મેડીકલ સ્ટોરના માલીકો પૈસાની લાલચે જનસ્વાસ્થ્ય સાથે ખુબ મોટા પ્રમાણમાં ચેડા કરી રહ્યા નુ ચર્ચાઈ રહ્યુ હતુ. આ દરમ્યાન ગરવી તાકાત દ્વારા આવા લોકોને ઉઘાડા પાડવા માટે એક મેડીકલ સ્ટોરનુ  સ્ટીંગ ઓપરેશન પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રતિબંધીત દવા વેચાતી હોવાનુ કેમેરામાં કેદ થયુ હતુ. આ અહેવાલ પ્રકાશીત થયા બાદ પણ સરકારી તંત્રએ કોઈ પણ કાર્યવાહી કરવાનુ ટાળ્યુ હતુ. જેથી આ ગોરખધંધામાં ફુડ એન્ડ ડ્રગ વિભાગની શંકાસ્પદ ભુમીકા વિષે પણ ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. 

સુત્રો અનુસાર મહેસાણા જીલ્લામાં આવા ગેરકાનુની રીતે દવાનુ વેચાણ કરતાં મેડીકલ સ્ટોર પર ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના લોકો ચોક્કસ વ્યકિતઓને  મોકલી ઉઘરાણુ કરે છે. જે ઉઘરાવેલ રકમ બાદમાં જમા કરીને અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીલ્લામાં અનેક મેડીકલ સ્ટોર એવા છે જ્યાં કોઈ પણ લાયસન્ય વિના પણ દવાના સ્ટોર ચલાવામાં આવી રહ્યા છે.  આ લોકોને તેમનો ગોરખધંધો બે-રોકટોક ચલાવવો હોય તો તેમને ફુડ એન્ડ ડ્રગ વિભાગને વાર્ષીક લગભગ 8 હજાર રૂપીયા આપવા પડે છે જ્યારે લાયસન્સ ધારક મેડીકલ સ્ટોરવાળાને 5 હજાર આપવા પડે છે. જીલ્લામાં હજાર કરતા પણ આવા મેડીકલ સ્ટોર આવેલા છે જેઓની પાસેથી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના માણસો હપ્તા ઉઘરાવી ઉપર સુધી પહોંચાડે છે.

બીજી તરફ જીલ્લામાં અનેક નકલી ડોક્ટરો દવાખાના ખોલીને બેસી ગયાનુ સામે આવ્યુ છે. જેઓની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં તેઓ લોકોનુ ઉંટવૈદુ કરી રહ્યા છે. જીલ્લાના ખેરાલુ મુકામે આવા એક નકલી ડોક્ટર વિરૂધ્ધ લેખીતમાં ફરિયાદ થઈ હોવા છતાં સરકારી તંત્ર તેઓને બચાવવામાં લાગ્યુ હોય એમ અરજીને નજરઅંદાજ કરી કાર્યવાહી ટાળી રહી છે. અધિકારીઓ અને વેપારીઓની પૈસાની લાલચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જેમાં આવી પ્રતિબંધીત, નકલી દવાઓ લેવાથી  તથા બોગસ ડોક્ટરો પાસે ઈલાજ કરવાથી દર્દીની કીડની,લીવર અને ફેફસા પર આડ અસર થઈ શકે છે તથા જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. આમ છતાં, સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આરોપી વિરૂધ્ધ તંત્રની રહેમનજર અનેક સવાલો પેદા કરી રહી છે. 

આ સીવાય જીલ્લાના અનેક મેડીકલ સ્ટોર પર ધોરણ 10 સુધી ભણેલા લોકો હેલ્પર તરીકે કામ કરતાં હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે. આ સાથે મેડીકલ સ્ટોરના સંચાલક પાસે પણ મેડીકલ સ્ટોર ચલાવવા જરૂરી ડીગ્રી નહિ હોવાનું બહાર આવ્યું છે. આમ છતાં કરિયાણાની દુકાન માફક  કોઈ પણ  ડીગ્રી વગરના અને ઓછુ ભણેલા લોકો જનસ્વાસ્થ્ય સાથે સીધી અસર કરતી દવાનું વેચાણ કરતા સ્ટોર ખોલીને બેસી ગયા છે. 

મહેસાણા જીલ્લામાં પ્રતિંબધિત તથા નકલી દવાઓનુ વેચાણ તથા બોગસ ડોક્ટરોની હાટડીઓ ધમધમી રહી છે. આ લોકોને તંત્ર દ્વારા ક્યાંકને ક્યાંક છાવરવામાં આવી રહ્યા છે. આ ગેરકાયદેસર ધંધાને કાયદેસર રીતે ચલાવવા અધિકારીઓના માણસો પૈસા ઉઘરાવી રહ્યા છે. આ પૈસા કોણ ઉઘરાવી રહ્યુ છે તે મોડસ ઓપરેન્ડીનો સંપુર્ણ પર્દાફાશ પણ ટુંક સમયમાં કરવામાં આવશે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.