
ગરવી તાકાત
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો નજીક આવી રહ્યો છે ત્યારે સરસ્વતી નદીમાં પાણી ન હોવાને કારણે શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને નદીમાં પાણી છોડવાની ઉગ્ર માંગ ઉઠી છે. સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ડૉ. વિકાસ હસમુખભાઈ પ્રજાપતિએ આ અંગે ગત 14 નવેમ્બર 2026ના રોજ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત પત્ર પાઠવ્યો છે.
સિદ્ધપુરમાં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે સરસ્વતી નદીના કિનારે ભવ્ય મેળો ભરાય છે, જેમાં ગુજરાત તેમજ દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને યાત્રાળુઓ પધારે છે. આ પવિત્ર દિવસે નદીમાં ત્રિવેણી સંગમ થતો હોવાથી હિન્દુ ધર્મમાં તેનું અદ્ભુત મહાત્મ્ય રહેલું છે. પરંતુ, ચાલુ વર્ષે નદીમાં પાણીના અભાવે આ પવિત્ર તીર્થસ્થળ સૂકું નજરે પડી રહ્યું છે, જેના કારણે મેળાની ગરિમા અને યાત્રાળુઓની આસ્થા પર વિપરીત અસર પડી રહી છે.
આ ગંભીર બાબતને ધ્યાને લઈને કોર્પોરેટર ડૉ. વિકાસ પ્રજાપતિએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સરસ્વતી નદી લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. તેથી વહીવટી તંત્ર અને સંલગ્ન જળ સંપત્તિ વિભાગને તાત્કાલિક ધોરણે યોગ્ય સૂચના આપીને મેળા પહેલા સરસ્વતી નદીમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવે. જો રાજ્ય સરકાર દ્વારા સમયસર સકારાત્મક નિર્ણય લેવામાં આવશે તો સિદ્ધપુરની વર્ષો જૂની ધાર્મિક પરંપરા જળવાઈ રહેશે અને બહારથી આવતા યાત્રાળુઓને પણ મોટી સુવિધા મળી રહેશે.