વિજાપુરની ‘એમ.પી. સ્ટીલ ઇન્ડિયા’ કંપનીમાં કાળઝાળ અકસ્માત: હાઇડ્રોલિક ક્રેનની અડફેટે યુવકનું કરૂણ મોત

November 16, 2026

ગરવી તાકાત

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ આશ્રમ ચોકડી પાસે આવેલી ‘એમ.પી. સ્ટીલ ઇન્ડિયા’ કંપનીમાં મજૂરી કામ કરતા એક યુવકનું હાઇડ્રોલિક ક્રેનની અડફેટે કમકમાટીભર્યું મોત નીપજવાની ઘટના સામે આવી છે. ગત ૧૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે કંપનીમાં લોખંડના સળિયાનું બંડલ લઈ જતી વખતે ક્રેનચાલકની ગફલત અને બેદરકારીને કારણે યુવક આગળના ટાયર નીચે કચડાઈ ગયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા આ યુવકનું ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થતાં મૃતકના ભાઈએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ક્રેનચાલક વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વિજાપુર તાલુકાના માઢી આશ્રમ પાછળ રહેતા અને હાલ માણસાના લક્ષ્મીપુરા ખડાત ખાતે મજૂરી કામ કરતા મેહુલભાઈ કાળાભાઈ દેવીપૂજકે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તેમનો મોટો ભાઈ ટીનાભાઈ રણાસણ આશ્રમ ચોકડી સ્થિત ‘એમ.પી. સ્ટીલ ઇન્ડિયા’ કંપનીમાં મજૂરી કામ કરતા હતા. ગત ૧૪ નવેમ્બરના રોજ બપોરે અઢી વાગ્યાના સુમારે કંપનીમાં સાથે કામ કરતા સુરેશભાઈ અંબાલાલે ફોન કરીને મેહુલભાઈને જાણ કરી હતી કે ટીનાભાઈને અકસ્માત નડ્યો છે અને તેમને વિજાપુરની ક્રિષ્ણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની તપાસ કરતા સામે આવ્યું હતું કે, કંપનીમાં કામ કરતી વખતે ટીનાભાઈ હાઇડ્રોલિક ક્રેન સાથે લોખંડના સળિયાનું બંડલ પકડીને એક પ્લાન્ટમાંથી બીજા પ્લાન્ટમાં લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન પીળા રંગની હાઇડ્રોલિક ક્રેન (રજિસ્ટ્રેશન નં. RJ-02-EA-0799)ના ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ક્રેન હંકારતા ટીનાભાઈ અચાનક તેના આગળના ટાયર નીચે આવી ગયા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત બન્યા હતા.

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ટીનાભાઈને પ્રાથમિક સારવાર માટે વિજાપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે ગાંધીનગરની આસ્કા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. યુવાન ભાઈના અકાળે અને આકસ્મિક અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મેહુલભાઈએ બેદરકારીપૂર્વક વાહન ચલાવી પોતાના ભાઈના મૃત્યુનું કારણ બનનાર ક્રેનચાલક વિરુદ્ધ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0