મહેસાણા એસ.ટી. ડેપોના ડ્રાઈવર સામે કડક કાર્યવાહી: નશાની હાલતમાં બસ ચલાવી અકસ્માત સર્જી મુસાફરોને રઝળતા મૂકનાર ડ્રાઈવર સસ્પેન્ડ

November 15, 2026

 

ગરવી તાકાત

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મહેસાણા વિભાગમાં ફરજ બજાવતા એક ડ્રાઈવરની અત્યંત ગંભીર બેદરકારી સામે આવતા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા ડેપોના ડ્રાઈવર ભરતદાન દેવીસીંગ ગઢવી (બેજ નંબર ૪૪૭૧૮) ને ફરજ દરમિયાન નશાની હાલતમાં એસ.ટી. બસ ચલાવવા, ગંભીર અકસ્માત સર્જવા તેમજ નિર્દોષ મુસાફરોને રસ્તામાં રઝળતા મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટવાના ગંભીર કૃત્ય બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ઘટનાની વિગતવાર માહિતી મુજબ, ગત ૧૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ ડ્રાઈવર ભરતદાન ગઢવી મહેસાણા ડેપો દ્વારા સંચાલિત સુરજથી મહેસાણા રૂટની એસ.ટી. બસ લઈને ગંતવ્ય સ્થાન તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન આદીવાડા ગામ નજીક પહોંચતા ડ્રાઈવરે બસના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બેકાબૂ બનેલી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ બસમાં સવાર મુસાફરો અને કંડક્ટરે સ્થળ પર તપાસ કરતા ડ્રાઈવર કેફી પીણાનું ભારે સેવન કરીને સંપૂર્ણપણે નશાયુક્ત હાલતમાં વાહન ચલાવી રહ્યા હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવ્યું હતું.

મુસાફરોના જાનમાલની સલામતી જોખમાય તેવું ગંભીર અને બિનજવાબદાર કૃત્ય જણાતા એક જાગૃત મુસાફરે તાત્કાલિક પોલીસ હેલ્પલાઈન નંબર ૧૧૨ પર ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જોકે, પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ ડ્રાઈવર ભરતદાન ગઢવી અકસ્માતગ્રસ્ત બસ અને અંદર બેઠેલા મુસાફરોને રસ્તા પર જ રામભરોસે રઝળતા મૂકીને ફરજનું સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા.

ડ્રાઈવરની આ પ્રકારની અક્ષમ્ય બેદરકારી અને તેના કારણે એસ.ટી. નિગમની પ્રતિષ્ઠાને ભારે હાાનિ પહોંચાડવાના કૃત્યને ગંભીરતાથી લઈને મહેસાણા એસ.ટી. ડેપોના ડેપો મેનેજર પી. એ. પટેલે તારીખ ૧૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ સસ્પેન્શનનો સત્તાવાર હુકમ જારી કર્યો છે.

જારી કરવામાં આવેલા હુકમ અનુસાર ડ્રાઈવર ભરતદાન ગઢવીને આગામી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ફરજ પરથી મોકૂફ (સસ્પેન્ડ) રાખવામાં આવ્યા છે. સસ્પેન્શનના આ સમયગાળા દરમિયાન તેમને એસ.ટી. નિગમના સર્વિસ રેગ્યુલેશનની કલમ નં. ૮૦ અને ૮૨ ની જોગવાઈઓ મુજબ ૫૦ ટકા રકમ પગાર નિર્વાહ ભથ્થા તરીકે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, સસ્પેન્શન સમયગાળા દરમિયાન તેમને દરરોજ સવારે ૯:૦૦ થી સાંજે ૧૭:૩૦ કલાક સુધી એસ.ટી. ડેપો, હારીજ ખાતે ડેપો મેનેજર સમક્ષ ફરજિયાત હાજરી આપવા તેમજ વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા માટે પણ કડક આદેશ કરવામાં આવ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0